અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા કોરોના સામેની જંગી હારી જતા આજે તેમનું નિધન થયુ છે. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જો કે સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેમના દિકરા તથા ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ પણ તેમના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં જ તેમના મોટાભાઈ મહેશ કનોડિયાનું માંદગીથી અવસાન થયા બાદ આજે તેમના ભાઇ નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમા નિધન થયું છે.
બુધવારે જ નરેશ કનોડિયાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં ત્યારે ગુરૂવારે સવારે તેમની તબીયત અચાનક લથડી હતી. ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, ઓક્સિજનનું પ્રમાણ ઓછુ થતાં તેમને વેન્ટિલેટર પર મૂકાયા છે. ફેફસામાં ઇન્ફેકશન વધુ થયુ છે જેના લીધે ડોક્ટરો બધીય થેરેપીની અજમાઇશ કરીને સારવાર કરી રહ્યાં છે.
યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી. જેમાં તે ઓક્સિજન માસ્ક સાથે નજરે પડી રહ્યા હતાં. તો આ અંગે તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.
નરેશ કનોડિયાની ફિલ્મી સફર
- ૨૦ ઓગસ્ટ, ૧૯૪૩ના રોજ મહેસાણાના કનોડા ગામે જન્મ
- નાની ઉંમરે જ ભાઇ મહેશ કનોડિયા સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાની શરૂઆત કરી
- સ્ટેજ સિંગર તેમજ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત
- ૧૯૭૦માં ‘વેલીને આવ્યા ફૂલ’ પ્રથમ ફિલ્મ
- કુલ ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય
- અંદાજે ૪૦ વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પાથર્યા અભિનયના ઓજસ
- ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે સુપ્રસિદ્ધ નરેશ કનોડિયા
- ટોચની અભિનેત્રીઓ સ્નેહલતા, રોમા માણેક અને અરૂણા ઇરાની સાથે જમાવી જાડી
- ૧૯૮૦-૯૦ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર અને ફિરોઝ ઇરાની સાથે કામ કર્ય્ું
- અભિનેતા ઉપરાંત ગાયક અને સંગીતકાર તરીકે પણ મેળવી અપ્રતિમ સફળતા
- મોટા ભાઇ મહેશ કનોડિયા સાથે મળીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું
- ગુજરાતી ફિલ્મજગતમાં મહેશ-નરેશની જાડી વિખ્યાત
- વિદેશમાં સ્ટેજ-શો કરનારી મહેશ-નરેશની પ્રથમ ગુજરાતી જાડી
- ૨૦૦૨-૦૭ દરમ્યાન કરજણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા
નરેશ કનોડિયાની સુપરહિટ ફિલ્મો
- હિરણને કાંઠે
- મેરૂ માલણ
- ઢોલામારુ
- મોતી વેરાણા ચોકમાં
- પાલવડે બાંધી પ્રીત
- પરદેશી મણિયારો
- વણઝારી વાવ
- તમે રે ચંપો ને અમે કેળ
- જાડે રહેજા રાજ
- પારસ પદમણી
- કાળજાનો કટકો
- બેની હું તો બાર બાર વરસે આવીયો
- વટ, વચન ને વેર
- લાડી લાખની સાયબો સવા લાખનો