મુંબઇઃ ટાટા મોટર્સની જુલાઇથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ વધીને રૂ. 307.3 કરોડે પહોંચી ગઇ છે. આ સાથે કંપનીને સળંગ ત્રીજા ત્રિમાસિકગાળામાં ચોખ્ખી ખોટ થઇ છે. જ્યારે કંપનીએ વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં રૂ. 187.70 કરોડની ખોટ કરી હતી. નફાની સાથે-સાથે કંપનીની આવકમાં પણ ઘટાડો થયો છે. કંપનીન ત્રિમાસિક આવક પણ 18.2 ટકા ઘટીને રૂ. 53,530 કરોડ થઇ છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં રૂ. 65,431 કરોડ હતી.
નિકાસ સહિત કંપની દ્વારા વાહનોનું વેચાણ 3.4 ટકા વધીને 1,09,958 યુનિટ નોંધાયુ છે. જો કે સ્થાનિક બજારમાં વેચાણ ઘટ્યુ છે.
કંપનીએ કહ્યુ કે, કોરોના મહામારી અને લોકડાઉનના પગલે ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ રહેવાના કારણે વિતેલા છ મહિનામાં કંપનીની આવક પ્રભાવિત થઇ છે. કંપનીએ કહ્યુ કે, લક્ઝુરીયસ બ્રાન્ડ જગુઆર લેન્ડ રોવર નાટકીય રીતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ખોટમાંથી નફો કરતી થઇ છે જે આશ્ચર્યજનક છે અને જૂન ક્વાર્ટરની તુલનાએ વેચાણ અને રેવન્યૂમાં રિકવરી દેખાઇ છે જો કે હજી પણ કોરોના-પૂર્વેના સ્તરની નીચે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જગુઆર લેન્ડ રોવરના 1,13,569 યુનિટ વેચાયા છે. જે ત્રિમાસક તુલનાએ 53.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે જ્યારે વાર્ષિક સરખામણીએ 11.9 ટકા નીચે છે. ચીનમાં પણ JLRનું વેચાણ વધ્યુ છે.
કંપનીની ફાઇનાન્સ કોસ્ટ સપ્ટેમ્બરમાં 114 કરોડ રૂપિયા વધીને રૂ. 1950 કરોડે પહોંચી ગઇ છે જે ઉંચા ગ્રોસ બોરોઇંગનું પરિણામ છે. ટાટા મોટર્સ અને JLR બિઝનેસનો કેસ ફ્લો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2300 કરોડરૂપિયા નોંધાયો છે.