ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને સ્વર્ણિમ સંકુલ બનાવ્યું છે તે એલએન્ડટી કંપનીને અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપનીએ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ પાસેથી આ કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.
સમગ્ર દેશમાં આ પ્રકારનો પહેલો અને મોટો ઇપીસી કરાર છે. આ કંપનીને 237.1 કિલોમીટરના એમએચએસઆર-સી 4 પેકેજનું નિર્માણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટનો ભાગ છે. આ પેકેજમાં વાયડક્ટ્સ, સ્ટેશન, મુખ્ય નદી પરના પુલ, ડેપો અને અન્ય સહાયક કાર્યોનું નિર્માણ સામેલ છે.
બુલેટ ટ્રેનનો આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં 155.76 કિલોમીટર, દાદરા અને નગર હવેલીમાં 4.3 કિલોમીટર અને ગુજરાતમાં 348.04 કિલોમીટરનો રેલવે માર્ગ ધરાવે છે. આ માર્ગમાં 12 સ્ટેશનો ઉભા કરવામાં આવનાર છે. આ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઇ જવામાં લગભગ બે થી અઢી કલાકનો સમય લેશે. આ ટ્રેન 320 કિલોમીટરની ઝડપે ચાલવાની છે.
સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ઝડપ લાવવા માટે કેન્દ્રની આ રેલવે એજન્સીએ ઉચ્ચકોટીની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. એલએન્ડટી કંપનીએ માત્ર 182 દિવસમાં મહાત્મા મંદિરનું અને 300 દિવસમાં સ્વર્ણિમ સંકુલ પાર્ટ 1 અને પાર્ટ 2 નું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત કંપનીએ ગુજરાતમાં ઘણાં પ્રોજેક્ટમાં ઝડપી કામ કર્યું છે.
કોરોના સંક્રમણ અને જમીન સંપાદનમાં આવેલા વિધ્નોને કારણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં વિલંબથી ચાલી રહ્યો છે પરંતુ હવે ભારત સરકારે તેમાં ઝડપ કરવા માટેના આદેશ કર્યા હોવાથી રેલવે એજન્સીએ પ્રોજેક્ટના માત્ર બાંધકામ માટે જ નહીં પરંતુ તે સાથે સંપૂર્ણ માળખાગત સુવિધાઓ માટે એલએન્ડટી કંપનીને એવોર્ડ કરી છે.
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં પેકેજ સી 4 એ રેલવે પ્રોજેક્ટની કુલ લંબાઇના 46.6 ટકા માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જે પ્રોજેક્ટનો સૌથી મહત્વનો હિસ્સો છે. મહારાષ્ટ્રના ઝારોલી થી ગુજરાતના વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ અને વડોદરાના રેલવે સ્ટેશન તેમજ આંતર માળખાકીય સુવિધાઓ માટે એલએન્ડટી કંપનીની જવાબદારી બને છે.
લાર્સન એન્ડ ટુબ્રો એ ભારતની મલ્ટીનેશનલ કંપની છે જે 21 બિલિયન યુએસડીની રેવન્યુ ધરાવે છે. આ કંપની એન્જીનિયરીંગ, બાંધકામ, ઉત્પાદન, સંરક્ષણ અને સેવાઓના ક્ષેત્રે સંકળાયેલી છે. તે વિશ્વના 30 દેશોમાં વિવિધ સેક્ટરમાં કામ કરી રહી છે. આ કંપની આઠ દાયકાથી વિવિધ ક્ષેત્રે સેવાઓ આપી રહી છે.