સ્માર્ટ સિટી અને ઓટોમેશનનો જમાનો આવી રહ્યો છે, ત્યારે આગામી થોડા વર્ષોમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની બોલબાલા વધશે, એવો મત વ્યક્ત કરી રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજીના નિષ્ણાંતે કહ્યું હતું કે આજે દેશ અને દુનિયામાં વિવિધ કંપનીઓ અને સરકાર એઆઇ અને મશીન લર્નિંગના જાણકારોને જ હેન્ડસમ પગારની નોકરી આપી રહી છે ત્યારે યુવાનો પાસે કોમ્પ્યુટરનું જ નહીં પરંતુ ટેકનોલોજીનું જ્ઞાન હોવું જોઇશે
તેમણે કહ્યું હતું કે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એ ભવિષ્યમાં આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની જશે અને તેનો ઉપયોગ વેબ સર્ચ થી લઇને કોમ્પ્યુટર બાયોલોજી, ફાયનાન્સ, ઇ કોમર્સ, અવકાશને લગતી બાબતો, રોબોટીક્સ, માહિતી મેળવવા, સોશ્યલ નેટવર્ક બનાવવા અને સમસ્યાઓને ઉકેલવા માટે થવાનો છે.
સાયન્સ એન્ડ ટેકલોજીના આ અધિકારીએ કહ્યું હતું કે મશીન લર્નિંગ એટલે એવું ઓટોમેશન કે જેમાં અગાઉથી પ્રોગ્રામ કરેલા નહિ પણ આપણી જરૂરિયાત મુજબ કૉમ્પ્યુટરો કે સાધનસામગ્રીમાં પ્રોગ્રામીંગ થઈ જાય અને તે મુજબ તે ઉપકરણો કામ કરે એવું શક્ય બનશે. પરંપરાગત પ્રોગ્રામીંગમાં અગાઉથી નક્કી થયા મુજબના ડેટા અને પ્રોગ્રામ આધારિત આઉટપુટ કૉમ્પ્યુટરમાંથી મળતું. હવે મશીન લર્નિંગમાં ડેટા અને આઉટપુટ જેવું મેળવવું હોય તેના આધારે કૉમ્પ્યુટર પ્રોગ્રામ કરે એવી વ્યવસ્થા અમલમાં રહેશે.
તેમણે કહ્યું હતું કે હવે પછી સોફ્ટવેર એન્જીનિયરોના કોડીંગ કૌશલ્ય, આંકડાશાસ્ત્રીઓના ગણિત અને અંકશાસ્ત્રના જ્ઞાન અને મશીન લર્નિંગના ખાસ જ્ઞાનનો સમન્વય થાય એવા ડેટા સાયન્સનું મહત્ત્વ વધશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આજના જમાનામાં ઘણા મહત્વપૂર્ણ વિષય હોવાથી આ વર્કશોપ માટે તેને પસંદ કરવામાં આવ્યા છે. આ બંને બાબતો આગામી થોડા વર્ષોમાં તમામ વ્યક્તિઓના રોજબરોજના જીવનમાં અસરકર્તા બની જશે.
રાજ્ય સરકારના સાઇન્ટીસ્ટ ડૉ. નરોત્તમ સાહુએ કહ્યું હતું કે ભવિષ્યની ટેકનોલોજી વિશે અત્યારથી વિદ્યાર્થીઓ વિચારતા થાય તેના માટે અત્યારથી પ્રયાસો શરૂ કરવા જોઇએ. એટલું જ નહીં, ઉદ્યોગોને અનુરૂપ અભ્યાસક્રમને ફ્લોટીંગ બનાવવા જોઇએ કે જેથી નવી ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ કદમ મિલાવી શકે. કોલેજના અભ્યાસક્રમમાં એઆઇ અને મશીન લર્નિંગનો કાર્યક્રમ હોવો જરૂરી છે.