સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયાના મહેમાન બન્યાં છે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવાના છે. ગુજરાતના રમણીય સ્થળે એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. આ પ્રવાસન સ્થળને મોદીએ વિશ્વના નકશામાં અંકિત કર્યું છે. આ સ્થળે ગુજરાત સરકારે પ્રવાસનના કુલ 21 પ્રોજેક્ટ લોકાર્પણ કર્યા છે જે પ્રવાસીઓને મનોરંજન, રોમાંચ અને ખુશીનો અનુભવ કરાવશે.
સરદાર એ માત્ર ગુજરાતના જ નહીં ભારતના લોખંડી પુરૂષ હતા. તેમની સ્મૃતિરૂપે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા અંકિત કરી છે જેને બે વર્ષ જેટલો સમય થયો છે. 31મી ઓક્ટોબર 1875માં સરદાર પટેલનો જન્મ થયો હતો. તેમના જીવનની ઓછી જાણીતી આછી ઝલક આ પ્રમાણે છે….
રોજ સત્તર કલાકની મહેનત :સરદાર વલ્લભભાઈ વિલાયતમાં જ્યાં રહેતા ત્યાંથી મિડલ ટેમ્પલ 11 માઇલ છેટું હતું. દરરોજ સવારે 11 માઇલ ચાલીને વલ્લભભાઈ લાયબ્રેરીએ જતા અને છેક ટેમ્પલની લાયબ્રેરી બંધ થાય, બધા ચાલ્યા જાય ત્યાં સુધી વલ્લભભાઈ એકલા વાંચતા હોય.
પટાવાળો આવીને કહે : ‘સાહેબ ! બધા ગયા, ઊઠો’ ત્યારે તેઓ ઊઠે ! બપોરે દૂધ અને બ્રેડ મંગાવીને ત્યાં ને ત્યાં જ બેઠા બેઠા ખાઈ લે અને અભ્યાસ કરે. આ દિવસોમાં એમણે રોજ સત્તર સત્તર કલાક વાંચ્યું અને પરીક્ષામાં પહેલા વર્ગમાં પાસ થઈ 50 પાઉન્ડની સ્કોલરશીપ મેળવી અને ચાર ટર્મની ફી માફી મેળવી..
કાર્ય પ્રમાણે શ્રેષ્ઠ માણસની પસંદગી :સરદાર પટેલ દરેક કામ માટે જે શ્રેષ્ઠ પુરુષ હોય તેને જ તે માટે પસંદ કરતા. એચ.એમ.પટેલ લખે છે કે, ‘‘એક અગત્યના કમિશન માટે સરદારે સર સીપી રામસ્વામી અય્યરને પસંદ કર્યા, તેથી ઘણા નવાઈ પામ્યા. કોઈએ સરદારને કહ્યું, ‘તે તો ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર કરવા માગતા હતા !’ સરદારે સામો પ્રશ્ન કર્યો, ‘‘આ કાર્ય માટે સર સીપી ઉત્તમ વ્યક્તિ છે તે ખરું ને ?’’ બધાએ હા કહી, ત્યારે સરદાર બોલ્યા, ‘‘આવી ગૌરવશાળી વ્યક્તિ દેશને મળતી હોય તો તેની સેવા શા માટે ન લેવી?’’ અને સરદારે સર. સીપી ને કમિશનના ચેરમન નિમ્યા. આ પ્રસંગ પરથી, લિંકને સેક્રેટરી તરીકે એમનાં સખત ટીકાકારને રાખ્યા હતા.
સરદાર પટેલની પ્રામાણિક છબી :1945ની આસપાસ સિનેઉદ્યોગના એકવારના સર્વેસર્વા, અને સિનેજગતના સરદાર તરીકે ઓળખાતા સોદાગર ચંદુલાલ શાહને સરદાર પટેલે કહેલું : ‘‘જુઓ ચંદુભાઈ તમે પણ સરદાર છો. ને લોકો મને પણ સરદાર કહે છે. તમારે ચૂંટણી માટે કાઁગ્રેસને લાખ રૂપિયા આપવાના છે.’’ સરદાર ચંદુલાલે તરત જ એ રકમની સગવડ કરી આપી. સ્વરાજ્યપ્રાપ્તિ પહેલાથી જ બિરલા, બજાજ જેવા ઉદ્યોગપતિઓ સરદારની ઇચ્છા મુજબ ફાળો આપતા, કારણ કે એમને સરદાર પટેલની પ્રામાણિકતા પર પૂરતો વિશ્વાસ હતો.
અને સરદારે ધૂમ્રપાન છોડ્યું :સરદાર ધૂમ્રપાનના ભારે શોખીન. તેઓ બીડી સિગરેટના બંધાણી હતા. જેલમાં એક પોલીસ અધિકારીએ તેમની સામે સિગરેટ ધરી. સરદારે તે લેવા હાથ લંબાવ્યો અને પછી કાંઈક વિચાર આવતાં હાથ પાછો ખેંચી લીધો એટલે પોલીસ આફિસરે કહ્યું, ‘‘તમે તો સિગરેટના શોખીન છો?’’
સરદારે જવાબ આપ્યો. ‘‘તમારી વાત સાચી પણ તમે મને જેલની બરાકમાં બીડી – સિગારેટ ક્યાં આપવાના છો ?’’ અને સરદારે કદીય ધૂમ્રપાન ન કરવાનો નક્કમ નિર્ણય કર્યો.
ઉદઘાટન ન કરવાની આ પ્રથા આજે કોણ જાળવે છે? :સરદારના નિકટના સંપર્કમાં રહેલા એક ગૃહસ્થે પરદેશી યંત્ર-સ્પેરપાર્ટ્સ હિંદમાં વેચવાની એજન્સી રાખી અને સંસ્થાનું ઉદઘાટન કરવા સરદારને આમંત્રણ આપ્યું. સરદારે કહ્યું, ‘તમે વેપાર કરો તેમાં મારું નામ વટાવી ખાવાની આશા ન રાખશો.’ સરદારે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો. આ સદગૃહસ્થ પોતે જાહેર કાર્યકર હતા અને કાઁગ્રેસને આર્થિક મદદ પણ કરતા હતા, છતાં સરદાર, પોતે નિર્માણ કરેલા કર્તવ્યક્ષેત્રમાં અંગત લાગણી કે સંબંધનો કદી વચ્ચે આવવા ન દેતા. સરદારે કરેલા ઇન્કાર પછી પેલા ગૃહસ્થની સંસ્થાનું ઉદઘાટન એ સમયના મોટા પદે રહેલા જાણીતા નેતાએ કર્યું હતું.
‘રામન સેનેટર’ જેવી પ્રતિભા :લોર્ડ માઉન્ટબેટનનાં પ્રેસ એટેચી એલેન કમ્પબેલ – જ્હાનસન લખે છે કે, ‘‘સરદાર પટેલ અસલ રામન સેનેટર જેવા દેખાય છે. આ ગૃહસ્થમાં રામન સદ્ગુણો અને શક્તિ રહેલા છે. તેમનામાં રાજકારભારના કૌશલ્ય ઉપરાંત મહાન નિર્ણયો ક્ષમતા કરવાની અને તેને પાર પાડવાનું સામર્થ્ય છે અને મહાન પુરુષોમાં જોવામાં આવે તેવું ગાંભીર્ય છે. જગતની વ્યૂહરચનામાં હિન્દનું કયું સ્થાન છે તે પટેલ પોતાની ચકોર દ્ષ્ટિથી સારી રીતે સમજે છે. Patel has a shrewd grasp of India’s strategic position in the world at large લુઈ ફિશર અને બીજા યુરોપિયનોએ પણ સરદારને ગુણોમાં અને દેખાવે રામન સેનેટર જેવા વર્ણવ્યા છે.
ચાર વખત કાર્યકારી વડાપ્રધાનપદ તરીકે સરદાર :
1. કેન્દ્રિય મંત્રીમંડળના સભ્યોના પગારમાં 15 ટકા કાપ. વહીવટમાં સાદાઈ અપ્નાવવાના આદેશ. સચિવો સાથે વિચારવિમર્શની પ્રક્રિયાનો પ્રારંભ.
2. ભારત સરકારનાં તમામ મંત્રાલયોને ખર્ચા ઘટાડવાની સૂચના અને એ રીતે 80 કરોડની બચત કરાવી.
3. અનાજ અને કાપડના ભાવો પર નિયંત્રણ અને ખેતીવાડીને પ્રોત્સાહન.
4. રાજ્યોના મુખ્યમંત્રીઓની પત્રો દ્વારા દેશના સમકાલીન પ્રવાહોથી વાકેફ કરવાની, માર્ગદર્શન આપવાની અને સહયોગ મેળવવાની નીતિનો અમલ.
5. આર્થિક અને વ્યાપાર નીતિમાં કેટલાક વ્યવહારુ ફેરફારો અમલી બનાવ્યા હતા.