સુરત થી ભાવનગર જવા માટે ફરી એકવાર તંત્ર સાબધું બન્યું છે અને જોરશોરથી જાહેરાત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ફરી એકવાર તા.8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો ઓનલાઈન શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. સુરતમાં ધંધાર્થે સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના લોકો માટે આ પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થઇ શકશે કારણ કે દિવાળી ઉપર મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર તરફ જતા હોય છે જેમાં ભાવનગર તરફ જતા લોકો ને લાંબા ફેરા માંથી મુક્તિ મળી શકે છે.
હાલ માં સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. રો-પેક્સ સૌરાષ્ટ્ર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે
લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. આમ આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો, 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેક્સ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે 9000 લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ 3 ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન 24 એમટી કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે.જોકે આ જાહેરાત બાદ લોકો માં કોમેન્ટ ઉઠી રહી છે કે ફેરી કેટલો સમય ચાલશે ? કારણ કે ભૂતકાળમાં પણ આ ફેરી બે કે વધુવાર ચાલુ થઈ ચૂકી છે અને પાછળ થી અનેક ક્ષતિઓ ને લઈ બંધ પણ થઈ ચૂકી છે ત્યારે આ વખતે નવેસરથી ચાલુ થનાર ફેરી યુગો યુગો સુધી ચાલે તેવી લોકો કામના વ્યક્ત કરી રહ્યા છે.
