ખેતીપ્રધાન ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતીવાડી અને પશુપાલનનો જીડીપીમાં હિસ્સો ઘટતો જાય છે જે સરકાર માટે ચિંતાનો વિષય છે. સરકારી દસ્તાવેજમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ખેતીવાડીથી આજીવિકા મેળવનારી વસતી 59 ટકા છે પરંતુ ખેતીનો રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનમાં ફાળો ઘટતો જાય છે જે અતિ ગંભીર બાબત છે.
રાજ્યના ઘરગથ્થું ઉત્પાદનને સામાન્ય રીતે રાજ્ય આવક તરીકે ઓળખવામાં આવે છે. તે રાજ્યની ભૌગોલિક હદમાં ચોક્કસ સમયગાળા માટે ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓનું નાણાંકીય સ્વરૂપે માપ દર્શાવે છે. આ અંદાજો ચાલુ તથા સ્થિક ભાવે તૈયાર કરવામાં આવે છે. રાજ્યમાં સ્થિર ભાવે એકંદરે ઘરગથ્થુ ઉથ્પાદન બજાર ભાવે છેલ્લા વર્ષમાં 1190121 કરોડ હતું જેમાં અગાઉના વર્ષની (1089811 કરોડની) સરખામણીએ 9.2 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
રાજ્યમાં ખેતી પર નભતા લોકોની સંખ્યા વધારે છે જેમાં જમીન ધારકો 48 લાખ જેટલા છે અને જમીન વિહોણાં ખેતમજૂરોની સંખ્યા 68 લાખ જેટલી થઇ છે. ગુજરાતમાં આ પ્રમાણ વધારે ચોંકાવનારૂં એટલા માટે છે કે ખેડૂતો મટી રહ્યાં છે અને ખેતમજૂરો વધી રહ્યાં છે.
ગુજરાત રાજ્યમાં વિવિધ વ્યવસાયમાં કામ કરનારા પૈકી 59 ટકા કામદારો પ્રાથમિક ક્ષેત્રમાં છે. જ્યારે દ્વિતીય ક્ષેત્ર એટલે કે કારખાના અને મેન્યુફેક્ચરીંગ વીજળી, ગેસ, પાણી સપ્લાય અને બાંધકામ વગેરે ઉત્પાદન કામમાં 16 ટકા કામદારો કામ કરે છે જ્યારે ત્રીજા ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્રમાં રોકાયેલાઓની સંખ્યા 25 ટકા જેટલી છે.
ગુજરાતમાં જો ગરીબી દૂર કરવી હોય તો પ્રાથમિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની સંખ્યા ઘટાડવાની આવશ્યકતા છે તેવું નિષ્ણાંતો માને છે. રાજ્યમાં પ્રાથમિક ક્ષેત્રના 59 ટકા લોકોનો જીડીપીમાં ફાળો 2018-19માં 19.1 ટકા છે જ્યારે દ્વિતીય ક્ષેત્રના 16 ટકા કામદારોનો 45.3 ટકા અને ત્રીજા ક્ષેત્રના 25 ટકા કામદારોનો ફાળો 35.6 ટકા જોવા મળે છે. જીડીપીમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો 23.20 ટકા હતો તે ઘટીને 19 ટકા થયો છે.
બીજી તરફ દ્વિતિય ક્ષેત્રનો ફાળો 2011-12માં 40.5 ટકા હતો તે વધીને 45.3 ટકા થયો છે અને તૃતિય ક્ષેત્રનો ફાળો 36.7 ટકા હતો તે ઘટીને 35.6 ટકા થયો છે. રાજ્યના જીડીપીમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો વધારવામાં આવે તો રાજ્યની ઇકોનોમી સુધરી શકે છે અને ગરીબી ઓછી થઇ શકે છે.
માત્ર ગુજરાત જ નહીં ભારતના અર્થતંત્રમાં પણ જીડીપીમાં ખેતીવાડીનો હિસ્સો ઘટતો જાય છે. દેશમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો 19 ટકા છે. દ્વિતિય ક્ષેત્રનો હિસ્સો 27 ટકા અને તૃતિય ક્ષેત્રનો હિસ્સો 54 ટકા જોવા મળ્યો છે. એટલે કે સર્વિસ સેક્ટરનો મોટો હિસ્સો જોવા મળ્યો છે.