અમેરિકન નાકેબંધીથી ઈરાનને મરણતોલ ફટકો: માત્ર 20 દિવસમાં 45 હજાર કરોડનું નુકસાન
અખાતી દેશોમાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા દ્વારા ઈરાનની કરવામાં આવેલી દરિયાઈ ઘેરાબંધીને કારણે ઈરાનને અત્યાર સુધીમાં અંદાજે 4.8 અબજ ડોલર (આશરે 45 હજાર કરોડ રૂપિયા) ના તેલ મહેસૂલનું નુકસાન થયું છે. આ નાકેબંધીને કારણે ઈરાનનું તેલ નિકાસ નેટવર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેની સીધી અસર તેની અર્થવ્યવસ્થા પર પડી રહી છે.
ઓમાનની ખાડીમાં થંભી ગયા તેલના ટેન્કરો
રિપોર્ટ અનુસાર, 13 એપ્રિલથી શરૂ થયેલી આ કડક નાકેબંધીને કારણે ઓમાનની ખાડીમાં ઈરાનના 31 જેટલા તેલ ટેન્કરો ફસાઈ ગયા છે. આ જહાજોમાં આશરે 5.3 કરોડ બેરલ કાચું તેલ ભરેલું છે. અમેરિકન નૌકાદળની કડક દેખરેખને કારણે આ ટેન્કરો આગળ વધી શકતા નથી. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 40થી વધુ જહાજોને અધવચ્ચેથી પાછા મોકલી દેવામાં આવ્યા છે અને બે જહાજોને જપ્ત પણ કરવામાં આવ્યા છે.
અમેરિકા આ વ્યૂહાત્મક દબાણનો ઉપયોગ ઈરાનને શાંતિ વાર્તા માટે મજબૂર કરવા અને તેની આર્થિક તાકાત ઘટાડવા માટે કરી રહ્યું છે.
‘તરતા ગોદામો’ બનાવવાની નોબત: તેલ સંગ્રહની ક્ષમતા ખૂટી
ઈરાન માટે અત્યારે સૌથી મોટી સમસ્યા તેલના સંગ્રહની છે. ઈરાન પાસે જમીન પર તેલ રાખવા માટેના મોટા ભાગના રિઝર્વો અને ટાંકીઓ હવે તેની ક્ષમતા વટાવી ચૂક્યા છે. નિકાસ અટકી જવાથી નવું ઉત્પાદિત થતું તેલ ક્યાં રાખવું એ એક મોટો પ્રશ્ન છે. આ સ્થિતિમાં, ઈરાન તેના જૂના અને બિનઉપયોગી જહાજોને ‘ફ્લોટિંગ સ્ટોરેજ’ એટલે કે તરતા ગોદામો તરીકે વાપરી રહ્યું છે.
જો કે, નિષ્ણાતો માને છે કે આ કામચલાઉ વ્યવસ્થા લાંબો સમય ટકી શકશે નહીં. જો આગામી થોડા અઠવાડિયા સુધી નાકેબંધી ચાલુ રહેશે, તો ઈરાન પાસે તેલ સંગ્રહવા માટેની જગ્યા બિલકુલ નહીં રહે. પરિણામે, તેણે તેના તેલના કુવાઓમાંથી ઉત્પાદન બંધ કરવું પડશે. તેલના કુવાઓ એકવાર બંધ થઈ જાય પછી તેને ફરીથી શરૂ કરવા અત્યંત ખર્ચાળ અને તકનીકી રીતે જટિલ પ્રક્રિયા છે.
અમેરિકાની રોકથી બચવા લાંબો અને ખર્ચાળ રસ્તો
અમેરિકન નૌકાદળની નજરમાંથી બચવા માટે કેટલાક ઈરાની ટેન્કરો હવે અત્યંત જોખમી અને મોંઘા રસ્તાઓ અપનાવી રહ્યા છે. આ જહાજો પાકિસ્તાન અને ભારતના દરિયાકાંઠાની નજીકથી પસાર થઈને મલાક્કા સ્ટ્રેટ (Malacca Strait) સુધી જવાનો પ્રયાસ કરે છે. ત્યાં આ તેલને અન્ય જહાજોમાં ટ્રાન્સફર કરીને ચીન મોકલવાની પેરવી કરવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયામાં સમય અને ઈંધણનો ખર્ચ એટલો વધી જાય છે કે ઈરાનનો નફો નહિવત થઈ જાય છે.
New media post from Donald J. Trump
( TS: May 1 2026, 10:24 PM ET ) pic.twitter.com/SOUXoE2mbI
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) May 2, 2026
હોર્મુઝ વિરુદ્ધ ઓમાન: દરિયાઈ માર્ગોનું યુદ્ધ
આ લડાઈ વાસ્તવમાં દરિયાઈ માર્ગો પર નિયંત્રણ મેળવવાની છે. અગાઉ ઈરાને હોર્મુઝની સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ કરવાની ધમકી આપીને પશ્ચિમી દેશોના જહાજો અટકાવ્યા હતા. તેના જવાબમાં અમેરિકાએ ઓમાનની ખાડીનો વ્યૂહાત્મક માર્ગ બ્લોક કરી દીધો છે. પેન્ટાગોને આ પરિસ્થિતિને ‘કોલ્ડ વોર’ જેવી ગણાવી છે, જ્યાં સીધું યુદ્ધ કરવાને બદલે એકબીજાને આર્થિક રીતે પાયમાલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
“પાગલોના હાથમાં પરમાણુ હથિયાર ન આપી શકાય”: ડોનાલ્ડ ટ્રમ્પ
આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા અત્યારે યુદ્ધ જેવી જ સ્થિતિમાં છે. ઈરાનનું નામ લીધા વગર તેમણે ઈશારો કર્યો કે, “જો અમે અત્યારે પગલાં નહીં લઈએ, તો આ દેશો પાસે પરમાણુ હથિયારો આવી જશે, જે ઈઝરાયેલ, મધ્ય પૂર્વ અને આખા યુરોપને તબાહ કરી શકે છે. અમે આવા પાગલ શાસકોના હાથમાં પરમાણુ શક્તિ જવાની મંજૂરી આપી શકીએ નહીં.”
