અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણમાં ઉત્તરપ્રદેશના મિરજાપુરના પથ્થરો પણ ઉપયોગમાં લેવાશે. આ પથ્થરો મંદિરનો પાયો તૈયાર કરવામાં વપરાશે.
ટ્રસ્ટ ની રચના થયા બાદ પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સંતો સાથે પણ ચર્ચા કરાશે. તે માટે 10-11 નવેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક બોલાવાઇ છે. તેમાં મંદિરનિર્માણની ભાવિ યોજનાઓ અંગે વિમર્શ સાથે શ્રીરામ જન્મભૂમિ પરિસરના સ્વરૂપ અંગે ચર્ચા કરાશે.
આંદોલન દરમિયાન સંતોનું માર્ગદર્શક મંડળ કેન્દ્રીય ભૂમિકામાં હતું પણ ટ્રસ્ટ બન્યા બાદ આ બેઠક એકેય વખત નથી થઇ જ્યારે ટ્રસ્ટે મંદિરનું સ્વરૂપ નક્કી કરવા સાથે નક્શા પણ પાસ કરાવી રાખ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પરિસરનો લેઆઉટ તૈયાર છે. ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રએ કહ્યું કે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચન આવે કે પરિસરમાં કોઇ સ્થળનું નામકરણ બહેતર લાગે તો અમે ફેરફાર કરીશું, તાજેતરમાં ટ્રસ્ટની 3 દિવસની બેઠક મળી હતી, જેમાં મંદિરના પાયામાં મિરજાપુરના પથ્થર વાપરવાનો નિર્ણય લેવાયો. પાયા માટે જે પ્રકારના પથ્થરોની જરૂર છે તે મિરજાપુરની ખાણોમાં છે. ત્રણ ખાણના માલિકો સાથે વાત કરાઇ છે. મિરજાપુરના પથ્થર પણ રાજસ્થાનના બંશીપહાડપુરના પથ્થરો જેવા ગુલાબી હોય છે પણ બંને પથ્થરોની ગુણવત્તામાં ફરક છે. ખાણમાલિકોનાં સૂત્રોના જણાવ્યાનુસાર ટ્રસ્ટને 4 ફૂટ લાંબા, 2 ફૂટ પહોળા અને 2 ફૂટ ઊંચા પથ્થરોની જરૂર છે. અંદાજે 3 લાખ ઘન ફૂટ પથ્થરો વપરાશે.
