સેઠી પરિવારમાં ખુશીઓનો ડબલ ડોઝ: આયુષ્માન સેઠી ગર્લફ્રેન્ડ સમીક્ષા સાથે લિવ-ઈનમાં, અર્ચના પૂર નસિંહે કર્યું ભવ્ય સ્વાગત
મનોરંજન જગતની સૌથી હસતી-રમતી જોડી એટલે અર્ચના પૂરન સિંહ અને પરમીત સેઠી. અત્યારે આ પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છે, કારણ કે તેમના ઘરમાં એક નવા સભ્યનું આગમન થયું છે. અર્ચનાનો મોટો દીકરો આર્યમન સેઠી પહેલાથી જ તેની મંગેતર યોગિતા બિહાની સાથે લિવ-ઈનમાં રહી રહ્યો છે, અને હવે તેમનો નાનો દીકરો આયુષ્માન સેઠી પણ તેની ગર્લફ્રેન્ડ સમીક્ષા સાથે તે જ ઘરમાં શિફ્ટ થયો છે. સોશિયલ મીડિયા પર આ કપલના વીડિયો અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
સમીક્ષાનું ‘દહેજ’ અને કોફી મશીનની રમૂજ
આર્યમન સેઠીએ તેના લેટેસ્ટ વ્લોગમાં આ આખી સફર અને સમીક્ષાના ગૃહપ્રવેશની ઝલક શેર કરી છે. વીડિયોની શરૂઆતમાં આર્યમન, યોગિતા, આયુષ્માન અને સમીક્ષા તેના જૂના ઘરેથી સામાન લેવા જાય છે. જ્યારે સામાન પેક થઈ રહ્યો હતો, ત્યારે સમીક્ષા એક મોટું કોફી મશીન લઈને આવતી દેખાય છે. તેણે રમૂજમાં કેમેરા સામે કહ્યું, “આ મારું દહેજ છે!” આ સાંભળીને આર્યમન હસવા લાગ્યો અને કહ્યું કે પપ્પા (પરમીત સેઠી) આ જોઈને સૌથી વધુ ખુશ થશે કારણ કે તેમને કોફી બહુ ગમે છે.
વર્ષો જૂની યાદ તાજી: આયુષ્માને સમીક્ષાને તેડીને ગૃહપ્રવેશ કરાવ્યો
જ્યારે આ ચારેય પરમીત સેઠીના ઘરે પહોંચ્યા, ત્યારે આયુષ્માને કંઈક એવું કર્યું જેણે બધાના દિલ જીતી લીધા. તેણે શરમાતી સમીક્ષાને પોતાની બાહોમાં ઉંચકી લીધી અને ઘરની અંદર લઈ ગયો. બાલ્કનીમાં ઉભેલી અર્ચના પૂરન સિંહ આ દ્રશ્ય જોઈને ખુશીથી ઝૂમી ઉઠી અને તાળીઓ પાડવા લાગી. યોગિતા અને આર્યમન પણ આયુષ્માનની આ અદાના વખાણ કરતા થાકતા નહોતા.
આ પાછળનું કારણ પણ બહુ રસપ્રદ છે. આયુષ્માને જણાવ્યું કે, જ્યારે અર્ચના અને પરમીત લગ્ન કરીને પહેલીવાર ઘરે આવ્યા હતા, ત્યારે પરમીતે અર્ચનાને ચાર માળ સુધી તેડીને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. પિતાની આ રોમેન્ટિક સ્ટાઈલને કોપી કરતા આયુષ્માને પણ સમીક્ષાને પહેલા માળ સુધી તેડીને એ યાદો તાજી કરી હતી. જોકે, પરમીત સેઠીએ હસતા હસતા કહ્યું, “યુવાનીમાં માણસ ગમે તેવી મૂર્ખામીભરી હરકતો કરે, આજે તો હું આવું ક્યારેય ના કરું!”
નવો રૂમ અને ભાઈઓ વચ્ચેની મજાક
આયુષ્માને સમીક્ષા માટે પોતાનો રૂમ ખાસ રીતે તૈયાર કરાવ્યો છે. તેણે સમીક્ષાના સામાન માટે આખી કબાટ ખાલી કરી દીધી છે. આર્યમને વ્લોગમાં મજાક કરતા કહ્યું કે, આયુષ્માને માત્ર એક રૂમ પાછળ એટલો ખર્ચ કર્યો છે જેટલામાં અમે આખું ઘર સજાવી રહ્યા છીએ. આયુષ્માને પણ વળતો જવાબ આપતા કહ્યું, “હું તો મહિને માત્ર 10,000 કમાતો હતો, આ તો મમ્મી-પપ્પાનો પ્રેમ છે કે તેમણે મારા માટે આટલું કર્યું.”
View this post on Instagram
સેઠી પરિવારમાં ટૂંક સમયમાં વાગશે શરણાઈ
તમને જણાવી દઈએ કે અર્ચનાનો મોટો દીકરો આર્યમન અને યોગિતા બિહાની છેલ્લા કેટલાક સમયથી સાથે રહે છે. યોગિતા સપ્ટેમ્બર મહિનામાં આ ઘરમાં શિફ્ટ થઈ હતી. હવે આ કપલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યું છે અને તેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. અર્ચના પૂરન સિંહ પોતાના બંને વહુઓ (ગર્લફ્રેન્ડ્સ) સાથે બહુ જ મિત્રતાભર્યો સંબંધ ધરાવે છે અને તે અવારનવાર તેમની સાથે વીડિયો પણ શેર કરતી રહે છે.
પરિવારની ખુશી અને આધુનિક વિચારધારા
અર્ચના પૂરન સિંહ અને પરમીત સેઠીએ જે રીતે પોતાના બાળકોની પસંદગીને સ્વીકારી છે અને તેમને પોતાના જ ઘરમાં લિવ-ઈનમાં રહેવાની મંજૂરી આપી છે, તે તેમની આધુનિક અને ખુલ્લી વિચારધારા દર્શાવે છે. ચાહકો પણ સેઠી પરિવારની આ પદ્ધતિના વખાણ કરી રહ્યા છે. જે રીતે અર્ચના અને પરમીતે પોતાના જીવનમાં સાદગી અને પ્રેમ જાળવી રાખ્યો છે, તે જ સંસ્કારો હવે તેમના બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આર્યમનના વ્લોગમાં જોવા મળતું આ બોન્ડિંગ દર્શાવે છે કે સેઠી પરિવારમાં હવે રોનક વધી ગઈ છે. ટૂંક સમયમાં જ આ પરિવારમાં લગ્નનો મોટો જશ્ન જોવા મળશે, જેની રાહ ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે.
