23,000 લોકોના જીવ જોખમમાં હતા અને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, જાણો ખાડી દેશોમાં હવે શું થશે?
ખાડી દેશોમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે એક અત્યંત મહત્વના અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવેલા સૈન્ય મિશન ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ (Project Freedom) ને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના મતે, ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે એક “અંતિમ સમજૂતી” ની દિશામાં મોટી સફળતા મળી છે, જેના કારણે આ સૈન્ય ઓપરેશન રોકવાનો નિર્ણય લેવાયો છે.
ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પનો મોટો ધડાકો
મંગળવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા ટ્રમ્પે આ વ્યૂહાત્મક ફેરફારની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે, “પાકિસ્તાન અને અન્ય મિત્ર દેશોની વિનંતીને માન આપીને, તેમજ ઈરાનના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં થઈ રહેલી ‘શાનદાર પ્રગતિ’ને ધ્યાનમાં રાખીને, સૈન્ય મિશનને હાલ પૂરતું રોકવામાં આવી રહ્યું છે.”
જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલી આર્થિક ઘેરાબંધી (Blockade) યથાવત રહેશે. માત્ર જહાજોને એસ્કોર્ટ કરવાનું ઓપરેશન ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ જ અટકાવવામાં આવ્યું છે, જેથી એ જોઈ શકાય કે આ સમજૂતી આખરી ઓપ લઈ શકે છે કે નહીં.
ગ્લોબલ ઓઈલ માર્કેટમાં કડાકો: ક્રૂડ ઓઈલ સસ્તું થયું
ટ્રમ્પના આ એક નિર્ણયની અસર વિશ્વભરના શેરબજાર અને ખાસ કરીને ઓઈલ માર્કેટ પર જોવા મળી છે. ઈરાન સાથે સમજૂતીની વાત વહેતી થતા જ ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ઘટીને $107.9 અને WTI ક્રૂડ $100.5 ના સ્તર પર આવી ગયું છે. સપ્લાય ચેઈન ફરી શરૂ થવાની આશાએ રોકાણકારોને રાહત આપી છે, જેના કારણે તેલની કિંમતોમાં અંદાજે 1.7% નો ઘટાડો થયો છે.
શું છે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ અને કેમ શરૂ કરાયું હતું?
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો રસ્તો છે, કારણ કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ અહીંથી પસાર થાય છે. ઈરાને આ રસ્તો બંધ કરી દીધા બાદ ત્યાં ફસાયેલા જહાજો અને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સોમવારે જ અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ લોન્ચ કર્યું હતું. આ મિશન દરમિયાન તણાવ એટલો વધી ગયો હતો કે યુએઈ (UAE) એ પોતાના જહાજો પર હુમલાનો દાવો કર્યો હતો, જ્યારે અમેરિકાએ ઈરાનની કેટલીક નાની સૈન્ય બોટને નષ્ટ કરી હોવાની વાત સ્વીકારી હતી.
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોના જણાવ્યા અનુસાર, આ મિશનનો મુખ્ય હેતુ 87 દેશોના લગભગ 23,000 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાનો હતો, જેઓ યુદ્ધ જેવી સ્થિતિમાં ત્યાં ફસાયા હતા.
‘ઓપરેશન એપિક ફ્યુરી’ નો પણ અંત
ટ્રમ્પની જાહેરાતના થોડા કલાકો પહેલા જ વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલું ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) હવે તેના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કર્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું છે. રૂબિયોએ ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા સંઘર્ષ નહીં પણ શાંતિ ઈચ્છે છે. તેમણે કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક મજબૂત ડીલ ઈચ્છે છે. અમારું વલણ હંમેશા રક્ષણાત્મક રહ્યું છે, એટલે કે જ્યાં સુધી અમારા પર હુમલો નહીં થાય, ત્યાં સુધી અમે ગોળી નહીં ચલાવીએ.”

