ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી હવે દિવાળી વેકેશન બાદ હવે પછી ના તબક્કામાં 60થી વધુ અધિકારીઓની સામૂહિક બદલીઓ નો દૌર શરૂ થનાર છે. જેમાં જુદાજુદા વિભાગોના વડા, જિલ્લા કલેક્ટરો, DDO, મ્યુનિસિપલ કમિશનરો અને બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ની બદલીઓ માટે નો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે. આ બદલીઓ સાથે નવ IAS ઓફિસરોની બઢતીની ફાઇલ પણ ક્લિયર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિગતો મુજબ નવ જેટલા IAS ઓફિસરોના પ્રમોશન માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી તરફથી પ્રમોશનને લગતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ ઓફિસરો 2005ની બેચના ગુજરાત કેડરના IAS હોવાની વાત છે. આ નવ ઓફિસરો પૈકી બે ઓફિસરો ગુજરાત વહીવટી સેવામાંથી આવે છે. જે ગુજરાત સરકારના અધિકારીઓને પ્રમોશન મળ્યું છે તેમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઇઓ અને રાહત કમિશનર હર્ષદ પટેલ, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા વિક્રાંત પાંડે, સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. ભારતીનો સમાવેશ થાય છે. એ ઉપરાંત વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલ, માઇક્રો સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝના કમિશનર રણજિત કુમાર, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલના ગૃહ વિભાગના અડિશનલ સેક્રેટરી કેકે નિરાલા, મહેસાણાના જિલ્લા કલેક્ટર એચકે પટેલ તેમજ જામનગરના મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલનો સમાવેશ થાય છે. આમ દિવાળી વેકેશન બાદ હવે અધિકારીઓ ની બદલીઓ નો ગંજીપો ચીપાશે.
