રાજ્ય માં કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને હજુતો માંડ ધંધાપાણી ચાલુ થાય ત્યાંજ ફરી કોરોના એ માથું ઉંચકતા હવે કરફ્યૂ ની સ્થિતિ વચ્ચે ફરી એકવાર બજારો સુમસાન બની રહી છે ત્યારે પ્રજા ને લોકડાઉન પાળવાનું જણાવી નેતાઓ રેલીઓ માં મસ્ત બન્યા છે. આજે કોરોના ના કેસ 1500 સુધી પહોંચી ગયા બાદ પણ નેતાઓ તેઓ નું ધાર્યું જ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા. ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારોહ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. જેમા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને લઇને રેલી યોજી હતી. આ રેલી ખુલ્લી જીપમાં ડીજેના તાલે યોજવામાં આવી હતી. જેમા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા. તે સિવાય સ્વાગત સમારોહમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી દરમિયાન પણ ભાજપના નેતાઓ ભાન ભુલીને કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડાડ્યા હતાં. જેમાં ભાજપના નેતાના પ્રચાર કાર્યક્રમમાં ભીડ ભેગી કરી સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કર્યા ના ઉદાહરણ છે બીજી તરફ ગઢડામાં કોંગ્રેસના કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતાં. અમરેલીના ચલાલામાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના સાંસદ શભૂપ્રસાદ ટુંડીયાની હાજરીમાં કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા હતા. ભાજપ કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા ઉપરાંત નારણ કાછડીયા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે ચડતા લોકો માં ભારે આકર્ષણ અને ચર્ચા નું કેન્દ્ર બન્યા હતા.
આમ આ નેતાઓ એ ઉપાડો લીધો છે અને જાણે કોરોના ને બજાર માં ફરતો રાખવા માંગતા હોય તેવું જણાઈ રહ્યા ની વાતો લોકો માં ચર્ચા નો વિષય બની છે.
