કોરોના ની સ્થિતિ વધુ કથળતા અને ગતરોજ શનિવારે 24 કલાકમાં 1,515 કેસ નોંધાતા ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ હોવાનો રેકોર્ડ સર્જાતા હવે લગ્ન ની સિઝન માં કોરોના વધુ વકરે નહિ તે માટે અમદાવાદ સહિત ચાર મહા નગરો માં આંશિક લોકડાઉન અમલ માં આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. માત્ર અમદાવાદ માંજ એક જ દિવસમાં સૌથી વધુ 354 કેસ નોંધાયાનો નવો રેકોર્ડ બન્યો છે. સૂરત અને વડોદરામાં પણ નવા કેસ રોજ ત્રણ આંકડામાં જ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં તો હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડે તેવી સ્થિતિ છે. હાલ શનિ-રવિના દિવસે સરકારે અહીં સદંતર કર્ફ્યૂ લાદ્યો છે, તો અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ તો છે જ. હવે સરકાર આ ચાર શહેરોમાં દિવસના સમયમાં પણ કર્ફ્યૂ લાદીને સંક્રમણને રોકવાના પ્રયત્ન કરે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
હાલ અમદાવાદમાં સોમવારે સવાર સુધીનો કર્ફ્યૂ છે અને તે દિવસથી રાત્રિ કર્ફ્યૂનો અમલ થશે, પરંતુ સોમવારે સાંજે ચાર મહાનગરોમાં દિવસ દરમિયાન પણ કર્ફ્યૂની જાહેરાત થશે, તેમ સૂત્રો જણાવે છે.
વિગતો મુજબ હવે દિવસે સવારે 6થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે.
મહિલાઓને સવારના અમુક કલાકો માટે કર્ફ્યૂમાંથી મુક્તિ મળી શકે છે.
દિવસે જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, કરિયાણું, દવાઓ અને શાકભાજી સિવાયના તમામ ધંધા-વ્યાપાર બંધ રહી શકે તેવી સંભાવના છે.
ઔદ્યોગિક એકમોને ગાઇડલાઇનના પાલન સાથે છૂટછાટ મળી શકે છે. જરૂરિયાતની વસ્તુ સિવાયના તમામ વેપારી એકમો અને દુકાનોને બંધ રાખવા ફરજ પડાઇ શકે છે.
કેન્દ્ર સાથે મસલત બાદ અંતિમ નિર્ણય
કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. આથી આ પ્રકારના કર્ફ્યૂના નામે લાગુ થઇ શકે તેવાં લોકડાઉન માટે ગુજરાત સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કરી શકે તેવી સંભાવના છે. જો એવું થયું તો ફરી એકવાર લોકો ને ઘર માં ફરજીયાત પુરાઈ જવાનો વારો આવશે અને ખાસ કરીને લગ્નો માં જવાની રાહ જોઇને બેઠેલા સગા સબંધીઓ ની ખુશી ઉપર બ્રેક લાગવાની શક્યતાઓ પ્રબળ બની છે.
