મુંબઇઃ ભારત અને અમેરિકા દુનિયાના ઘણા દેશોમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સૌની નજર આ મહામારીથી બચાવતી એક અસરકારક રસી ઉપર છે અને હાલ વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. એસ્ટ્રાઝેનેકા- ઓક્સફોર્ડની કોરોના વેક્સીન અંગે માહિતી મળી છે કે તે કોરોના વાયરસનું સંક્રમણ રોકવામાં 70 ટકા અસરકારક છે. આ પહેલા અમેરિકી કંપની ફાઈઝરની રસીને 95 ટકા અને અમેરિકાની જ બીજી કંપની મોડેર્નાને 94.5 ટકા સુધી સફળતા મળી છે. ઉપરાંત ભારતની પુના સ્થિત સીમર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વેક્સીનના ઇમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી મેળવવાની તૈયારી કરી રહી છે. આ મંજૂરી વર્ષના અંત સુધી મળી જશે તેવી આશા છે.
ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેન્કાની વેક્સીન એ ત્રીજી કોવિડ વેક્સીન છે, જેના આશાવાદી પરિણામ આવ્યા છે. આ રસીનું વિશ્વભરમાં પરીક્ષણ થઈ રહ્યું છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. પુના સ્થિત જગતની સૌથી મોટી રસી ઉત્પાદક સિરમ ઈન્સ્ટિટયૂટ ભારતમાં તેનું પરીક્ષણ કરી રહી છે. એસ્ટ્રાઝેન્કાએ રજૂ કરેલી વિગતો પ્રમાણે આ રસીના બે ડોઝ એક મહિનાના અંતરે આપવાના થાય છે. પહેલા ડોઝ પછી 90 ટકા અને બીજા ડોઝ પછી 62 ટકા સફળતા મળી હતી. કુલ મળીને સરેરાશ 70 ટકા સુધી રસી સફળ થયાનું સંશોધકોએ જણાવ્યું હતું.
આ રસી ભારત સહિત જગતના અનેક વિકાસશીલ દેશો માટે બહુ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. કેમ કે તેને ફ્રીઝરને બદલે ફ્રીઝના તાપમાને સાચવી શકાય એમ છે. રસીને સાચવવા માટે અત્યંત નીચા તાપમાનની જરૂર પડે, જે સામાન્ય રીતે ફ્રીઝરમાં જ હોય. એ વાત નક્કી છે કે જે કોઈ રસી સફળ થશે તેના કરોડો-અબજો ડોઝનું ઉત્પાદન થશે.