દ્વારકામાં શીશ ઝૂકાવી ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ બેકારી, નોટબંધી, જીએસટી સહિતના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
ગુજરાતના ચૂંટણી પ્રવાસનો દ્વારકાધીશના દર્શન કરી પ્રારંભ કરનારા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં પાંચ-છ કંપનીઓને જ બધું મળે છે, તેમને જમીન, પાણી અને વીજળી સહિતની છુટ્ટા હાથે લ્હાણી કરવામાં આવે છે. બીજી તરફ ખેડૂતોને પોતાની ખેત પેદાશના પોષણક્ષમ ભાવ નથી મળતાં. તેમણે યુવાનોને રોજગારી નહીં મળવા સહિત નોટબંધી અને જીએસટીના કારણે ખેડૂતોથી લઈને નાના વેપારીઓને થયેલા ભારે નુકસાન બદલ મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી.
દ્વારકાના દર્શન કર્યા બાદ રોડ-શોનો પ્રારંભ કરનાર રાહુલે ભાટિયા ખાતે લોકોને સંબોધતા જણાવ્યું હતંં કે મોદી સરકારમાં પાંચ-છ કંપનીઓને જ બધી સવલતો મળે છે. જ્યારે અહીંનો ખેડૂત મગફળી સહિતના ખેત પેદાશોના પર્યાપ્ત ભાવ નથી મેળવી શકતા. આ છે મોદીજીનું ગુજરાત મોડેલ. જ્યારે ખંભાળિયામાં રાહુલા ગાંધીએ ખેડૂતોને સવાલ પૂછયો કે ગુજરાતમાં વિકાસને શું થયું?
મોદી સરકારે ચૂંટણી પહેલા વાયદો કર્યો હતો કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવામાં આવશે, પરંતુ અમે સંસદમાં તેમના મંત્રીને પૂછયું કે એક વર્ષમાં તેમણે કેટલા લોકોને રોજગારી આપી? ત્યારે તેમણે જવાબ આપ્યો કે બે લાખ યુવાનોને રોજગારી આપી છે. આ દેશમાં દેશમાં રોજ ૨૦,૦૦૦ યુવાનો નોકરીના બજારમાં આવે છે, પરંતુ મોદી સરકાર માત્ર ૪૦૦ યુવાનોને જ રોજગારી પૂરી પાડી શકે છે. આ દેશનો યુવાન કામ કરવા માગે છે અને દેશના નિર્માણમાં સહયોગ આપવા માગે છે, પણ સરકાર તેમના માટે પર્યાપ્ત રોજગારીનું સર્જન કરી શકતી નથી. રાહુલે નોટબંધી અને જીએસટીના કારણે ખેડૂતો અને નાના વેપારીઓને પડતી મુશ્કેલીઓને પણ વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે હાજર ખેડૂતોને પૂછયું હતું કે શું તમે બિયારણ ડેબિટ કાર્ડ, ચેક પેમેન્ટ કે ક્રેડિટ કાર્ડથી ખરીદો છો? ત્યાં હાજર ખેડૂતોએ મોટેથી ‘ના’માં જવાબ આપ્યો હતો. રાહુલે પૂછયું હતું કે મજૂરની મજૂરી ડાયરેક્ટ બેક્નમાં જમા કરવામાં આવે છે? રાહુલે કહ્યું હતું કે આ દેશના નાના માણસના વ્યવહારો રોકડમાં હોય છે. તેમને રોકડ રૃપિયાની જરૃર છે. જીએસટીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા નાના વેપારીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે ‘જીએસટી ચોક્કસ લાગુ કરવો જોઈએ પરંતુ તેનો વ્યાપ ધીરેધીરે વધારવો જોઈએ. અચાનક લાગુ કરવાથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મોટી કંપનીઓ પાસે એકાઉન્ટન્ટની ફોજ હોય છે. તકલીફ તો નાના વેપારીને પડે છે.’ મીઠાપુર એરપોર્ટ પર રાહુલ ગાંધીનું કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મીઠાપુરથી દ્વારકા પહોંચ્યા હતાં. આ પહેલા રાહુલ ગાંધીએ મીઠાપુર એરપોર્ટ પર જ ભરતસિંહ સોલંકી સાથે અલગથી ચર્ચા કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ તેમના રોડ શો અને જાહેરસભાનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે, જેમાં ૨૭મીને બુધવારે સવારે રાહુલ જસદણ પહોંચશે અને લોકોને મળશે તેમજ લોકસંવાદ કરી જનતાની સમસ્યાઓ સાંભળશે. રાહુલ ગાંધીની ૨૬મીની બીજા દિવસની યાત્રા ખિજડિયા બાયપાસથી શરૃ થશે. રસ્તામાં ઠેર ઠેર સ્વાગત વચ્ચે સવારે ૯.૩૦ વાગ્યે રામપર પાટિયા ખાતે લોકોને મળશે, ૧૧.૩૦ વાગ્યે ટંકારા ખાતે લોકો સાથે મિટિંગ, ચિલિંગ પ્લાન્ટ ખાતે સહકારી આગેવાનો સાથે વાર્તાલાપ કરશે, કુવાડવા, નવા ગામ, પરેવડી થઈ હેમુ ગઢવી હોલમાં ટ્રેડર-બિઝનેસમેનને મળશે, રાત્રિ રોકાણ રાજકોટ ર્સિકટ હાઉસ ખાતે કરશે. ત્રીજા દિવસે સવારે ચોટિલા માતાજી મંદિરના દર્શન કરશે. બપોરે જસદણ ખાતે મિટિંગ કરશે. ગોંડલ, વીરપુરમાં સ્વાગત બાદ ૨.૩૦ વાગ્યે કાગવડ જશે, ૪.૩૦ વાગ્યે જેતપુર ખાતે પબ્લિક મિટિંગ કરશે.