નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોના કેસ અને સરકારના કડક નિયંત્રણોની અસર સોના-ચાંદીના દાગીના વેપાર પર પણ પડી છે. લગ્નસરા સીઝનમાં દાગીનાની માંગ પાછલા વર્ષની તુલનાએ ઓછામાં 25-30 ટકા ઘટી ગઇ છે. આ વખતે તો ધનતેરસ અને દિવાળીના દિવસે પણ જ્વેલર્સોને ત્યા ઘરાકી ઓછી હતી.
દરીબા વેપાર મંડળના મહામત્રી મનીષ વર્માએ કહ્યુ કે, જ્યારથી સરકારે માસ્ક ન પહેરનાર માટે દંડની રકમ 500થી વધારીને 2000 રૂપિયા કરી છે, ત્યારથી લોકોમાં ડરનો માહોલ છે. ઉપરાંત બજારોમાં ફરી લોકડાઉન થવાની અફવાહથી ગ્રાહકો ચાંદની ચોકના જ્વેલરી બજારમાં આવતા અચકાઇ રહ્યા છે. હવે ગ્રાહકો ઇચ્છે છે કે તેમના ઘરે જે જ્વેલરીની ડિલિવરી કરવામા આવે. તેઓ ઓનલાઇન જ્વેલરીના ફોટો-ઓડિયો જોઇને ઓર્ડર કરી રહ્યા છે. આથી દરેક દુકાનદારને દરરોજ 15થી 20 ગ્રાહકોના ઘરે જ્વેલરીની હોમ ડિલિવરી કરવી પડી રહી છે.
સરકાર આપે સુરક્ષા
જ્વેલરીની હોમ ડિલિવરીમાં સમય બગડવાની સાથે-સાથે અનિચ્છનિય ઘટનાનો ડર પણ સતાવે છે. કેટલાક ગ્રાહકોને ફોટો કે વિડિયોમાં જ્વેલરી સારી લાગે છે પરંતુ જ્યારે ડિલિવરી કરાય છે ત્યારે તેમને ગમતી નથી. ત્યારબાદ તેઓ અન્ય દાગીના મોકલવા જણાવે છે. તેનાથી ખર્ચો વધી જાય છે. તેમણે સરકાર પાસે સુરક્ષા માહોલ પુરી પાડવાની માંગણી કરી છે તેથી ગ્રાહકોને બજારમાં આવતા ન લાગે. ઉપરાંત ટ્રાફિકની વ્યવસ્થામાં પણ સુધારો કરે. માર્કેટમાં સુવ્યવસ્થિત સેનેટાઇઝેશન થાય અને સોશિયલ ડિસ્ટન્ટ જળવાય ત્યારે જ લોકો ઘરની બહાર નીકળે. જ્યા સુધી વેક્સીન ન આવે, ત્યાં સુધી સાવધાની પૂર્વક રહેવુ.
સોના-ચાંદીના વેચાણમાં છેલ્લા પાંચ-છ દિવસમાં મોટી મંદી આવી ગઇ છે. જ્યારથી માર્કેટમાં લોકડાઉન થવાની અટકળો વ્હોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર પર વાયરલ થઇ રહી છે ત્યારથી બજારમાં ગ્રાહકોનું આગમન ઓછુ થઇ ગયુ છે. ઉપરાંત ચાલુ નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નના મૂહુર્ત પણ ઘણા ઓછા છે. સરકારે પણ લગ્નપ્રસંગોમાં મહેમાનોની સંખ્યા ઘટાડીને 50 કરી દીધી છે.