નવી દિલ્હીઃ હાલ દેશભરમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે લોકોને ફરી નીચા ભાવે સોના-ચાંદીની ખરીદી કરવાની તક છે. અગાઉ ભાવ આસમાને પહોંચી જતા લોકો ખરીદી કરી શકયા ન હતા. પરંતુ હાલ વૈશ્વિક બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા જંગી ઘટાડાને પગલે સ્થાનિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટી ગયા છે. છેલ્લા 4 સપ્તાહમાં જ સોનાના ભાવમાં 4000 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. તો ચાલો જાણીયે સોના-ચાંદીના ભાવ વિશે….
સોના-ચાંદીના વૈશ્વિક બજારમાં ભાવ ઘટવાને પગલે ભારતમાં પણ તેના ભાવ ઘટ્યા છે. દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ શુક્રવારે પ્રતિ 10 ગ્રામ દીઠ 48,142 રૂપિયા થયો હતો.તો ચાંદી પણ ઘટીને 59,250 રૂપિયા પ્રતિ 1 કિગ્રા થઇ હતી. આ સાથે ચાલુ મહિનાના સૌથી ઉંચા સ્તરેથી સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 4000 રૂપિયા અને 31 ઓક્ટોબરના સ્તરેથી છેલ્લા 4 સપ્તાહમાં 2600 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે પણ સોના અને ચાંદી બંનેના ભાવ ઘટ્યા હતા. જેમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 500 રૂપિયા ઘટીને 50,300 રૂપિયા થયો હતો. તો ચાંદી પણ 300 રૂપિયાના ઘટાડે 61000 રૂપિયા પ્રતિ 1 કિગ્રા થઇ હતી.
ઉલ્લેખનિય છે કે, વૈશ્વિક બજારોમાં સોનાએ 1800 ડોલરની મહત્વપૂર્ણ સપાટી ગુમાવી દીધી અને ભાવ લગભગ 22 ડોલર ઘટીને 1773 ડોલરની નીચી સપાટીને સ્પર્શ્યા હતા, જે છેલ્લા પાંચ મહિનાનો સૌથી નીચો ભાવ છે. આ સાથે વિતેલા સોનાના ભાવમાં 13 માર્ચ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ભાવ ઘટાડો છે. તો વૈશ્વિક ચાંદીએ પણ 23 ડોલરની મહત્વપૂર્ણ સપાટી ગુમાવી દીધી છે. આજે ચાંદીનો ભાવ અઢી ટકા જેટલો ઘટીને 22.71 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.