‘યુવાઓના ભવિષ્ય સાથે અપરાધ…’: NEET પેપર લીક મુદ્દે રાહુલ ગાંધી લાલઘૂમ, PM મોદીને કર્યા આકરા સવાલ
NEET-UG 2026ની પરીક્ષા રદ થવાના નિર્ણયથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ છે, ત્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, ત્યાગ અને સપનાઓને ‘ભ્રષ્ટ ભાજપ શાસિત વ્યવસ્થા’એ કચડી નાખ્યા છે. તેમણે આ સ્થિતિને માત્ર વહીવટી નિષ્ફળતા નહીં, પરંતુ દેશના યુવાનો વિરુદ્ધનો ‘અપરાધ’ ગણાવ્યો છે.
વિદ્યાર્થીઓના સંઘર્ષ અને લાચારીની વાત
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરતા લખ્યું કે, પરીક્ષાની તૈયારી પાછળ કેટલાય પરિવારોની આજીવિકા હોડમાં હોય છે. તેમણે કહ્યું કે, “કોઈ પિતાએ પોતાના બાળકના ભણતર માટે દેવું કર્યું હશે, તો કોઈ માતાએ પોતાના ઘરેણાં વેચી દીધા હશે. લાખો વિદ્યાર્થીઓએ રાત-રાત જાગીને મહેનત કરી, પરંતુ બદલામાં તેમને શું મળ્યું? પેપર લીક અને અવ્યવસ્થા.”
તેમના મતે, સરકારી બેદરકારી અને શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલો ભ્રષ્ટાચાર આજે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટું જોખમ બનીને ઊભો છે.
પેપર માફિયાઓ સામે આકરો પ્રહાર
કોંગ્રેસ નેતાએ શિક્ષણ જગતમાં સક્રિય પેપર માફિયાઓ પર નિશાન સાધતા કહ્યું કે, દર વખતે પેપર લીક જેવી ઘટનાઓ બને છે, માફિયાઓ આસાનીથી છટકી જાય છે અને સજા માત્ર ઈમાનદાર વિદ્યાર્થીઓને જ ભોગવવી પડે છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે, જો મહેનતને બદલે પૈસા અને લાગવગથી જ ભવિષ્ય નક્કી થવાનું હોય, તો પછી શિક્ષણનું કોઈ મૂલ્ય જ રહેશે નહીં. આવી ગેરરીતિઓ શિક્ષણ વ્યવસ્થા પરથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ તોડી રહી છે.
વિદ્યાર્થીઓ પર માનસિક અને આર્થિક બોજ
રાહુલ ગાંધીએ પરીક્ષા રદ થવાને કારણે ઉભી થયેલી અનિશ્ચિતતા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, હવે લાખો વિદ્યાર્થીઓએ ફરી એકવાર એ જ માનસિક તણાવમાંથી પસાર થવું પડશે. ફરીથી પરીક્ષા આપવી એટલે માત્ર સમયનો બગાડ નહીં, પણ આર્થિક બોજ પણ છે. પરીક્ષા કેન્દ્રો પર જવા-આવવાનો ખર્ચ અને અનિશ્ચિત ભવિષ્ય વિદ્યાર્થીઓને માનસિક રીતે તોડી નાખશે.
NEET 2026 की परीक्षा रद्द हो गयी।
22 लाख से ज़्यादा छात्रों की मेहनत, त्याग और सपनों को इस भ्रष्ट भाजपाई व्यवस्था ने कुचल दिया।
किसी पिता ने कर्ज़ लिया,
किसी माँ ने गहने बेचे,
लाखों बच्चों ने रात-रात भर जागकर पढ़ाई की,
और बदले में मिला, पेपर लीक, सरकारी लापरवाही और शिक्षा में…
— Rahul Gandhi (@RahulGandhi) May 12, 2026
પીએમ મોદી પર નિશાન: “અમૃતકાળ કે વિષકાળ?”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર જેને ‘અમૃતકાળ’ ગણાવી રહી છે, તે ખરેખર દેશના યુવાનો માટે ‘વિષકાળ’ સાબિત થઈ રહ્યો છે. તેમણે પીએમ મોદીને સવાલ કર્યો કે, સરકાર ક્યારે આ પેપર માફિયાઓ પર લગામ લગાવશે અને ક્યારે દેશના ભવિષ્ય એવા યુવાનોને ન્યાય મળશે?
