NEET પેપર લીકનો શરમજનક ઈતિહાસ: “કરોડો યુવાનોના ભવિષ્ય સાથે ક્રૂર મજાક,” કેજરીવાલે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી
ભારતના લાખો વિદ્યાર્થીઓ જે પરીક્ષા માટે દિવસ-રાત એક કરે છે, તે NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે. પેપર લીક થવાના ગંભીર આરોપો અને ત્યારબાદ પરીક્ષા રદ કરવાના નિર્ણયથી દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) એ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે અત્યાર સુધીમાં 4 વાર પેપર લીક થઈ ચૂક્યા છે, તો પછી કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી?
રાજકીય સંરક્ષણ અને પેપર લીકનો સિલસિલો
અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે NEET ના પેપર અમસ્તા જ લીક નથી થતા, તેની પાછળ મજબૂત રાજકીય સાંઠગાંઠ અને સંરક્ષણ જવાબદાર છે. તેમણે આંકડા ટાંકીને જણાવ્યું કે ૨૦૧૭, ૨૦૨૧, ૨૦૨૪ અને હવે ફરીથી પેપર લીક થવાની ઘટના બની છે. ચાર-ચાર વખત આવી મોટી પરીક્ષામાં ગાબડાં પડે તે વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે.
કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, “સૌથી દુઃખદ બાબત એ છે કે અગાઉ જે લોકોએ પેપર લીક કર્યા હતા, તેમને હજુ સુધી કોઈ સજા મળી નથી. ૨૦૨૪ ના પેપર લીક કરનારા આરોપીઓ પણ જામીન પર બહાર ફરી રહ્યા છે. જ્યારે સજાનો ડર જ ન હોય, ત્યારે આ ‘શિક્ષા માફિયા’ વધુ હિંમતવાન બની જાય છે.”
“મેં પણ IIT અને સિવિલ સર્વિસની તૈયારી કરી હતી…” – કેજરીવાલની સંવેદના
વિદ્યાર્થીઓની પીડા સમજાવતા કેજરીવાલે પોતાના અંગત જીવનનો કિસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું, “મેં પોતે આઈઆઈટી અને સિવિલ સર્વિસની પરીક્ષાઓ પાસ કરી છે, એટલે મને ખબર છે કે આ માટે કેવી કઠોર તપસ્યા કરવી પડે છે. હિસારમાં અમારા નાના ઘરમાં એક નાનકડા રૂમમાં બેસીને હું ૨૪ કલાક તૈયારી કરતો હતો. સદનસીબે તે દિવસોમાં પેપર લીક જેવી દૂષિત પ્રથાઓ નહોતી.”
તેમણે ઉમેર્યું કે, ઘણા ગરીબ પરિવારો પોતાના બાળકોને ભણાવવા માટે સોનું ગીરો મૂકે છે અથવા જમીન વેચી દે છે. મોંઘી કોચિંગ ફી ભરીને બાળકો દિલ્હી જેવા શહેરોમાં ભાડાના મકાનમાં રહીને અભ્યાસ કરે છે. જ્યારે પેપર લીક થાય છે, ત્યારે માત્ર પરીક્ષા રદ નથી થતી, પણ આખા પરિવારના સપનાઓ અને વર્ષોની મહેનત પાણીમાં જાય છે.
ભાજપ માટે શું બધું જ ‘દેશભક્તિ’ છે? – સંજય સિંહનો કટાક્ષ
આ મુદ્દે આપના સાંસદ સંજય સિંહે તીખા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકાર દરેક નિષ્ફળતાને દેશભક્તિનું નામ આપી દે છે. તેમણે કટાક્ષમાં કહ્યું, “મોંઘવારી વધે તો તેલ-ગેસ ન વાપરવો તે દેશભક્તિ છે, સોનું ન ખરીદવું તે દેશભક્તિ છે, અને હવે પેપર લીક કરીને લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરવું એ પણ કદાચ તેમના માટે દેશભક્તિ જ હશે!”
સંજય સિંહે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવતા દાવો કર્યો હતો કે પેપર લીક કરાવતી કંપનીઓ અને માફિયાઓ ક્યાંકને ક્યાંક સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોય છે. ૨૨ લાખથી વધુ બાળકોના ભવિષ્ય સાથે રમત રમનાર લોકો સામે કાયદાનો સકંજો કેમ કસાતો નથી, તે સૌથી મોટો પ્રશ્ન છે.
ડિપ્રેશનમાં ધકેલાતા વિદ્યાર્થીઓ અને સરકારની ઉદાસીનતા
દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વારંવારના આશ્વાસનો છતાં સ્થિતિ સુધરી રહી નથી. સરકાર આ વિષય પર ગંભીર દેખાતી નથી. પેપર રદ થવાથી માત્ર પૈસા જ નથી ડૂબતા, પણ હજારો વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને ડિપ્રેશનમાં ધકેલાઈ જાય છે. લાખો પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે, છતાં સિસ્ટમમાં બેઠેલા જવાબદાર લોકો મૌન છે.
હવે યુવાનોએ રસ્તા પર ઉતરવું પડશે
અરવિંદ કેજરીવાલે દેશભરના વિદ્યાર્થીઓને હાકલ કરી છે કે હવે અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, “આ કરોડો યુવાનો સાથેનો સૌથી મોટો દગો છે. જો આ વ્યવસ્થા સુધારવી હશે, તો યુવાનોએ એકઠા થઈને રસ્તા પર ઉતરવું પડશે. આમ આદમી પાર્ટી દેશના ભવિષ્ય એવા આ વિદ્યાર્થીઓની સાથે મજબૂતીથી ઉભી છે.”

