દિલ્હીમાં કોરોનાના કહેર વચ્ચે ભારતીય ડોક્ટરોએ કોરોના સંક્રમિત દર્દીના ફેફસાંનું પ્રત્યારોપણ કરીને ચમત્કાર કર્યો છે. આ સિદ્ધિ દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલના ફેફસા અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. રાહુલ ચંદોલાની આગેવાનીમાં ડોક્ટરોએ હાંસલ કરી છે. જેની માટે શનિવારે રાત્રે 10 કલાક ચાલેલી સર્જરીમાં યુવકને એક ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ. હાલ દર્દી આઇસીયુમાં છે. ડોક્ટરોએ કહ્યુ કે દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે.
ડો. રાહુલના મતાનુસાર હરદોઇના રહેવાસી 31 વર્ષીય યુવત જયપુરમાં કોઇ સ્ટોન કંપનીમાં મજૂરી કરે છે. ત્યાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો પરંતુ સારવાર કરવામાં વિલંબ થતા તેમના ફેફસાં ખરાબ થઇ ગયા. આ કારણસર તે લખનઉના કેજીએમયુ હોસ્પિટલમાં ત્રણ-ચાર મહિના સુધી ભરતી રહ્યો. છેલ્લા બે મહિનાથી મેક્સ હોસ્પિટલમાં ફોલોઅપ ચાલી રહ્યુ હતુ. તેમને દર મહિને 15 લીટર ઓક્સીજન આપવામાં આવી રહ્યુ હતુ. જેના લીધે તેમના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો.
આ દરમિયાન જયપુરમાં 49 વર્ષની એક મહિલા બ્રેઇન હેમરેજના કારણે મૃત્યુ પામી. તેના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રીય અંગદાન કેન્દ્ર એ ફેફસાં મેક્સ હોસ્પિટલને, લિવર યકૃત અને પિતાશય વિજ્ઞાન સંસ્થાન (આઇએલબીએસ) અને એક કિડની આઇએમએલ હોસ્પિટલને ફાળવી. જયપુરથી શનિવારે રાત્રે નવ વાગે વિમાનથી ડોક્ટર ફેફસાં, લિવર અને કિડની લઇને દિલ્હી એરપોર્ટ પહોંચ્યા. દિલ્હી પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને ફેફસાં અને લિવર જલ્દીથી અનુક્રમે મેક્સ અને અને આઇએલબીએસ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.