નવી દિલ્હીઃ સ્થાનિક બજારમાં ઘટાડેલા ભાવમાં લગ્નસરાની રિટેલ ઘરાકી નીકળતા સોના-ચાંદીના ભાવમાં આજે નીચા સ્તરેથી સારી એવી રિકવરી જોવા મળી હતી. જેમાં દિલ્હીના ઝવેરીમાં આજે મંગળવારે સોનાના ભાવ 45 રૂપિયા અને ચાંદીના ભાવ 407 રૂપિયા વધ્યા હતા. આજના સુધારાને પગલે દિલ્હી ખાતે 10 ગ્રામ સોનાનો ભાવ 48,228 રૂપિયા અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 59,380 રૂપિયા થયો હતો.
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વૈશ્વિક બજારમાં નરમાઇને પગલે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવ તેમન ટેકારૂપ સપાટી તોડીને ઘણા નીચા ઉતરી ગયા છે. જેમાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાનો ભાવ 50,000 રૂપિયાની મહત્વપૂર્ણ સપાટી ગુમાવીને 48,000 રૂપિયાની પાંચ મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યા હતા. તો ચાંદીએ પણ 60,000 રૂપિયાન ટેકારૂપ સપાટી ગુમાવી દીધી હતી. સોના-ચાંદીના વેપારીઓ અને જ્વેલર્સોએ ભાવમાં નોંધપાત્ર ઘટાડાને પગલે સોના-ચાંદીમાં રિટેલ ઘરાકી નીકળવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
વૈશ્વિક બજારમાં આજે મંગળવારે સોનાનો ભાવ 1812 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટીએ બોલાયો હતો. તો ચાંદી પણ સુધરીને 23.34 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
દેશાવર બજારની વાત કરીયે તો આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 100 રૂપિયા સુધરીને 50,000 રૂપિયા હતો. તો ચાંદીમાં આજે 1000 રૂપિયાની ઝડપી રિકવરીમાં પ્રતિ એક કિગ્રા દીઠ વધીને 61,500 રૂપિયા થઇ હતી.