મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થશે હાર્દિક પંડ્યા? લખનૌ, દિલ્હી અને કોલકાતા તેને આવકારવા તૈયાર!

4 Min Read

મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યા: શું હવે રસ્તાઓ અલગ કરવાનો સમય આવી ગયો છે?

આઈપીએલ (IPL) ના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એક એવી ટીમ રહી છે જે તેના સ્થિર પ્રદર્શન અને ‘ફેમિલી’ કલ્ચર માટે જાણીતી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ ફ્રેન્ચાઈઝીમાં જે પ્રકારની ઉથલપાથલ જોવા મળી રહી છે, તે જોતા લાગે છે કે મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યા વચ્ચેનો સંબંધ હવે અંતિમ તબક્કામાં છે. ૨૦૨૬ની સીઝન પૂરી થયા બાદ જો હાર્દિક અન્ય કોઈ ટીમમાં જોવા મળે, તો ક્રિકેટ ચાહકો માટે તે નવાઈની વાત નહીં હોય.

વ્યક્તિત્વનો ટકરાવ અને પ્રદર્શનમાં ઘટાડો

હાર્દિક પંડ્યા માત્ર એક ક્રિકેટર નથી, તે એક ‘બ્રાન્ડ’ છે. તેની રમવાની શૈલી આક્રમક છે અને મેદાન પર તેની હાજરી હંમેશા દેખાઈ આવે છે. હાર્દિકની આત્મવિશ્વાસથી ભરેલી, અને ક્યારેક થોડી ઘમંડી લાગતી અદાઓ ઉચ્ચ સ્તરની રમત માટે સારી હોઈ શકે છે, પરંતુ જ્યારે એક જ ટીમમાં અનેક મોટા નામો અને મજબૂત વ્યક્તિત્વ ભેગા થાય, ત્યારે ઘર્ષણ થવું સ્વાભાવિક છે.

- Advertisement -

hardik.jpg

ભારતીય ટીમ માટે હાર્દિક આજે પણ નંબર ૧ ઓલરાઉન્ડર છે, જે એકલા હાથે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ કમનસીબે, મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યા પછી તે જાદુ જોવા મળ્યો નથી. ત્રણ સીઝન વીતી ગઈ હોવા છતાં, હાર્દિકના નેતૃત્વમાં મુંબઈ માંડ-માંડ પ્લેઓફ સુધી પહોંચી શક્યું છે. જે ટીમ ક્યારેક હારેલી બાજી જીતવા માટે જાણીતી હતી, તે હવે મેદાન પર દિશાહીન દેખાઈ રહી છે.

- Advertisement -

ગૌરવશાળી ઈતિહાસ અને વર્તમાનની કડવી વાસ્તવિકતા

મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ૨૦૧૪ની એ સીઝન ક્યારેય ભૂલી શકતા નથી જ્યારે ટીમ સતત સાત મેચ હાર્યા પછી પણ પ્લેઓફમાં પહોંચી હતી. ૨૦૧૭ અને ૨૦૧૯ના ફાઈનલના એ રોમાંચક છેલ્લા બોલના વિજય આજે પણ યાદ છે. પરંતુ ૨૦૨૪ અને ૨૦૨૬ની સીઝન મુંબઈ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નથી. ટીમમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો હોવા છતાં ટીમ પોઈન્ટ ટેબલમાં નીચેના ક્રમે રહી છે.

જ્યારે હાર્દિક, કૃણાલ પંડ્યા અને કિરોન પોલાર્ડ મધ્યમ ક્રમમાં રમતા હતા, ત્યારે વિરોધી ટીમોના પરસેવા છૂટી જતા હતા. આજે એ આક્રમકતા ગાયબ છે. સૂર્યકુમારના રન નથી બની રહ્યા, બુમરાહની વિકેટ ઝડપવાની ક્ષમતામાં ઘટાડો થયો છે અને રોહિત શર્માની ઈજાઓએ ટીમને વધુ નબળી પાડી છે. આ બધી પરિસ્થિતિમાં કેપ્ટન તરીકે હાર્દિક પર માછલાં ધોવાય તે સ્વાભાવિક છે.

મેદાનની બહારનો વિવાદ અને ઈજાની સમસ્યા

હાર્દિક માટે માત્ર મેદાન પરનું પ્રદર્શન જ પડકારજનક નથી, પરંતુ મેદાનની બહારની તેની લાઈફસ્ટાઈલ અને અંગત સંબંધો પણ ચર્ચાનો વિષય બન્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં જે રીતે ચાહકોએ તેને બૂ (Boo) કરીને નકારી કાઢ્યો હતો, તે દર્શાવે છે કે મુંબઈના ચાહકો હજુ પણ તેને કેપ્ટન તરીકે સ્વીકારી શક્યા નથી.

- Advertisement -

વધુમાં, હાર્દિકની ફિટનેસ હંમેશા સવાલોના ઘેરામાં રહી છે. તેની પીઠનો દુખાવો ફરી એકવાર ઉભરી આવ્યો છે, જેના કારણે તેણે છેલ્લી કેટલીક મેચો ગુમાવી છે. જ્યારે કેપ્ટન જ ટીમ સાથે પ્રવાસ ન કરતો હોય અને સોશિયલ મીડિયા પર મોડી રાતના ટ્રેનિંગ વિડિયો મૂકતો હોય, ત્યારે ડ્રેસિંગ રૂમમાં કેવા પ્રકારનો સંદેશ જતો હશે તે વિચારવા જેવું છે.

hardik1.jpg

નવી તકો અને અન્ય ફ્રેન્ચાઈઝીનો રસ

આઈપીએલના ઈતિહાસમાં ડેવિડ વોર્નર, રવિન્દ્ર જાડેજા અને તાજેતરમાં કેએલ રાહુલ જેવા દિગ્ગજોએ પણ તેમની ફ્રેન્ચાઈઝી સાથેના વિવાદોને કારણે રસ્તા અલગ કર્યા છે. હાર્દિક પંડ્યા જેવા હાઈ-પ્રોફાઈલ ખેલાડી માટે અન્ય ટીમોના દરવાજા હંમેશા ખુલ્લા છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG), દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી ટીમો હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા આતુર હશે.

  • દિલ્હી કેપિટલ્સ: અક્ષર પટેલના નેતૃત્વમાં ટીમ ઘણીવાર મૂંઝવણમાં દેખાય છે. હાર્દિક જેવો આત્મવિશ્વાસુ કેપ્ટન તેમને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે.
  • લખનૌ સુપર જાયન્ટ્સ: ઋષભ પંતને મોટી રકમમાં ખરીદ્યા પછી પણ લખનૌને ધારી સફળતા મળી નથી. જો હાર્દિક અને પંત વચ્ચે ‘ટ્રેડ’ (Trade) થાય, તો તે આઈપીએલનો સૌથી મોટો સોદો બની શકે છે.
  • કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણેની વધતી ઉંમરને જોતા KKR ને લાંબા ગાળાના કેપ્ટનની જરૂર છે, જે ભૂમિકા હાર્દિક સારી રીતે ભજવી શકે છે.
Share This Article