નવી દિલ્હીઃ હાલ સોશિયલ મીડિયામાં એક સમાચાર બહુ જ ઝડપથી વાયરસ થઇ રહ્યા છે. જેમાં એવો દાવો કરાયો છે કે રિઝર્વ બેન્કે 2 હજારની મૂલ્યની નોટોની સપ્લાય બંધ કરી દીધી છે. આથી મોટાભાગની બેન્કોના ATMમાંથી માત્ર 100, 200 અને 500 રૂપિયાની નોટ નીકળી રહી છે. આ સમાચાર વાયરલ થયા બાદ એકવાર ફરી લોકો ચિંતા સતાવી રહી છે.
લોકોને એવી શંકા છે કે ક્યાંક મોદી સરકાર 8 નવેમ્બર 2016ની જેમ આ વખતે પણ 2000 રૂપિયાની મૂલ્યની ચલણી નોટ ફરી બંધ ન કરી દે અને તેમને ફરી એકવાર બેન્કોમાં 2 હજારની નોટો બદલવાની લાઇનમાં ઉભા ન રહેવું પડે.
તમને જણાવી દઇયે કે જ્યારે આ વાયરસ ન્યૂઝ આર્ટીકલની સત્યતા ચકાસવામાં આવી તો આ દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણ હોવાનું માલૂમ પડ્યુ અને રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટોની સપ્લાય બેન્કોને બંધ કરી નથી.
આ ન્યૂઝ આર્ટીકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ATMમાંથી 2000 રૂપિયાની નોટો નીકળવાનું બંધ થઇ ગયુ છે. કારણ કે રિઝર્વ બેન્કે દેશની તમામ બેન્કોને 2000 રૂપિયાની નોટો સપ્લાય બંધ કરી દીધી છે. તેની સાથે જ રિઝર્વ બેન્કે દેશની તમામ બેન્કોને તેમના ATMમાંથી 2000 રૂપિયાની નોટોવાળા કેલિબર કાઢી નાંખવાનો આદેશ આપ્યો છે.
એવામાં સેન્ટ્રેલ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના 58 ATMમાંથી 2 હજારની નોટના કેલિબર કાઢી નાંખ્યા છે. ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અન્ય બેન્કોએ પણ પોતાના ATMમાંથી 2000ની નોટોનું કેલિબર દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ATMમાંથી 100, 200 અને 500 રૂપિયાની નોટો લોડ કરવાની શરૂઆત કરી દીધી છે.