નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુ સોના-ચાંદીના ભાવમાં ફરી તેજીનો માહોલ સર્જાતા ભાવ સતત વધી રહ્યા છે. વૈશ્વિક તેજીને પાછળ ભારતીય બજારોમાં પણ બંને કિંમતી ધાતુ સોના અને ચાંદીના ભાવ વધ્યા માંડ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સોના અને ચાંદી ભાવ સતત વધી રહ્યા છે. જેના લીધે લોકોએ ફરી સસ્તુ સોનું ખરીદવાની તક ગુમાવ દીધી છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં સ્થાનિક બજારમાં સોનાના ભાવ 5 મહિનાની સૌથી નીચી સપાટીએ ઉતરી ગયા હતા.
દિલ્હીના ઝવેરી બજારમાં આજે ગુરુવારે સોનાનો ભાવ 481 રૂપિયા વધ્યો હતો અને 10 ગ્રામ સોનાનો ભાવ 48,887 રૂપિયા થયો હતો. સોનાની પાછળ ચાંદીના ભાવમાં પણ ચમકારો આવ્યો છે. ચાંદીના ભાવ આજે 555 રૂપિયા ઉછળ્યા હતા અને એક કિગ્રા દીઠ ચાંદીનો ભાવ 63,502 રૂપિયા થયો હતો.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે ગુરુવારે સોનાના ભાવ 400 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ ભાવ 51,200 રૂપિયા હતા. જો કે ચાંદીના ભાવ પ્રતિ એક કિગ્રા દીઠ 63,500 રૂપિયા સ્તરે સ્થિર હતા
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીયે તો સોનાનું વધીને 1841.80 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું હતુ. તો ચાંદી પણ ઉછળીને 24.16 ડોલર પ્રતિ ટ્રોય થઇ હતી.
એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ તપન પટેલનું કહેવુ છે કે,અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા નવા રાહત પેકેજની જાહેરાત થવાની આશાથી તાજેતરમાં સોના-ચાંદીના ભાવમાં ફરી તેજીનો માહોલ સર્જાયો છે.