નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરી એ આજે ગુરુવારે કહ્યુ કે, ભારતીય એરલાઇન્સ કંપનીઓની માટે ડોમેસ્ટિક ફ્લાઇટના સંચાલનની સંખ્યા કોરોના મહામારી પૂર્વેના સ્તરની તુલનાએ 70 ટકાથી વધારીને 80 ટકા કરી દેવામાં આવી છે. મંત્રી એ 11 નવેમ્બરના રોજ કહ્યુ હતુ કે, એરલાઇન્સ કંપનીઓ કોરોના મહામારી પૂર્વેના સ્તરની તુલનાએ 70 ટકા સુધી ડોમેસ્ટિક પેસેન્જર એરલાઇન્સનું સંચાલન કરી શકે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રીએ આજે ગુરુવારે એક ટ્વિટમાં કહ્યુ કે, ડોમેસ્ટિક ઓપરેશન 25 મેના રાજો 30,000 પ્રવાસીઓ શરૂ થયુ અને અત્યાર સુધીમાં 30 નવેમ્બરે આ આંકડો 2.52 લાખને સ્પર્શી ગયો છે. તેમણે કહ્યુ કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવે ડોમેસ્ટિક ઓપરેશનની માટે કોરોના મહામારી પહેલાની તુલનાએ સંચાલનની સ્વીકૃત ક્ષમતાને 70 ટકાથી વધારીને 80 ટકા સુધી કરવાની મંજૂરી આપે છે.
ઉડ્ડયન મંત્રાલયે કોરોના મહામારીનું સંક્રમણ અને લોકડાઉનને પગલે બે મહિના બાદ 25 મેના રોજથી પૂર્વનિર્ધારિત ડોમેસ્ટિક પેસેન્જર ફ્લાઇટ ફરીથી શરૂ કરી હતી. અલબત તે સમયે એરલાઇન્સ કંપનીઓને તેમના કોરોના મહામારી પૂર્વેની ડોમેસ્ટિક ફ્લાઇટ સંખ્યાના 33 ટકા જેટલી જ ફ્લાઇટનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ ફ્લાઇટની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવી છે.