મુંબઇઃ આજે RBI દ્વારા ધિરાણનીતિ જાહેર કરવામાં આવી છે. જેમાં ફરી એક વાર મોંઘવારી વધવાનું કારણ દર્શાવી વ્યાજદર સ્થિર રાખ્યા છે. RBIની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠકમાં સમિક્ષા કર્યા બાદ આજે RBIના ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસે કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે તેમણે જણાવ્યું કે બેઠકમાં વ્યાજ દરોમાં કોઇ બદલાવ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાનમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેન્ક રેટ 4.25 ટકા છે. બીજી તરફ એસએલઆર 18 ટકા અને એમએસએફ 4.25 ટકા પર છે.
RBIની ડિસેમ્બરની ધિરાણનીતિની સમીક્ષા બેઠકમાં ફરી એકવાર મુખ્ય વ્યાજ દરોમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. આ નિર્ણય રિટેલ મોંઘવારીના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં લેતા લેવામાં આવ્યો છે. રિટેલ મોંઘવારી આ સમયે રિઝર્વ બેન્કના સંતોષજનક સ્તર પર છે. આ સતત ત્રીજી વાર બન્યુ છે જ્યારે RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની મૌદ્રિક નીતિ સમિતિએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ બદલાવ નથી કર્યો.
રિઝર્વ બેંકે શિયાળા દરમિયાન મોંઘવારી દરમાં ઘટાડો થવાની આશા રાખી છે. દાસે કહ્યું હતું કે અર્થવ્યસ્થામાં પૂરતા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. જરૂર પડશે તો તમામ જરૂરી પગલાં ભરવામાં આવશે.તેઓએ ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિદરમાં 7.5 ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. અત્રે નોંધનીય છે કે મે માસમાં વ્યાજદરોમાં 0.40 ટકા અને માર્ચમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચુકી છે.