નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે પણ બુલરન ચાલુ રહેતા સેન્સેક્સ 45,000ની ઉપર તેની ઐતિહાસિક ઉંચી સપાટીએ બંધ રહેવામાં સફળ રહ્યુ છે. આજે સેન્સેક્સ 446 પોઇન્ટની તેજી સાથે 45079ના સ્તરે બંધ રહ્યુ હતુ. આમ તો આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 45148ની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલને સ્પર્શ્યો હતો. નિફ્ટી પણ 125 પોઇન્ટની તેજીમાં 13258ના ઉંચા સ્તરે બંધ રહ્યો હતો. આજની તેજી સાથે ભારતીય શેરબજાર બીએસઇની માર્કેટકેપ પણ વધીને રૂ. 179.48 લાખકરોડે પહોંચી ગઇ છે.
બેન્ચમાર્ક સેન્સેક્સ ખાતે આજે આઇસીઆઇસીઆઇ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ભારતી એરટેલ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર ટોપ ગેઇનર હતા.તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને એચસીએલના શેર ટોપ લૂઝર્સ હતા. આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર 4.2 ટકા વધ્યો જ્યારે રિલાયન્સ 0.8 ટકા જેટલો ઘટ્યો હતો.
IRCTCના શેરમાં 14 ટકાની તેજી
આજે IRCTCનો શેર 14.51 ટકાનીતેજી સાથે બંધ થયો હતો. સ્પાઇલ જેટના શેરમાં પણ આજે 10 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. અદાણી પાવરનો શેર 10 ટકા, બેન્ક ઓફ મહારાષ્ટ્રનો શેર 8.8 ટકા અને મેક્સ હેલ્થકેરનો શેર 8.8 ટકા વધ્યા હતા.
આ સાથે ચાલુ સપ્તાહે ભારતીય શેરબજાર સાપ્તાહિક સુધારે બંધ થયો છે. તમામ સેક્ટરોમાં સપ્તાહ દરમિયાન તેજી જોવા મળી છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી સતત પાંચમાં સપ્તાહે તેજી સાથે બંધ થયા છે.નિફ્ટી સ્મોલકેપ અને મિડકેપમાં પણ સતત પાંચમાં સપ્તાહે આગેકૂચ નોંધાઇ છે. ઉલ્લેખનિય છે કે, ભારતીય શેરબજારમાં માર્ચ 2020માં બનેલી નીચલી સપાટીથી અત્યાર સુધીમાં 70 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.
કોરોન વેક્સીનની સકારાત્મક ખબરો અને અમેરિકામાં ટુંક સમયમાં બીજું રાહત પેકેજ જાહેર થવાના આશાવાદને પગલે હાલ દુનિયાભરના મોટાભાગના શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે.