નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો કેન્દ્રની મોદી સરકાર દ્વારા મંજૂર કરાયેલા કૃષિ કાયદા સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ અંગે ખેડૂતોના આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂતો સંગઠનો પણ જોડાયા છે. જો આગામી બેઠકમાં સરકાર સાથે સમાધાન નહીં જાય તો ખેડૂતોએ આઠ દિવસના રોજ ભારત બંધનું એલાન કર્યુ છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુકે, ભારત સરકારે મંત્રણા માટે બોલાવ્યા છે અને તેમાં અમે જઇશુ જો આ મંત્રણામાં સહમિત ન બની અને અમારી માંગણી નહી સંતોષાય તો ભારત બંધનું એલાન કરીશુ. ખેડૂતોએ આંદોલન હવે વધુ ઉગ્ર બનાવ્યુ છે અને સરકારને ખુલ્લી ચેતવણી ફેકી છે કે જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે આંદોલનને વધુ ઉગ્ર સ્વરૂપ આપીશુ.
ખેડૂત આંદોલનમાં શામેલ ખેડૂતો હવે કડક વલણ અપનાવી રહ્યા છે. ઉપરાંત આવતીકાલે દેશભરમાં ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રમોદીના પૂતળાં ફુંકવાની પણ તૈયારી કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવુ છે કે, આ માંગ માત્ર એક રાજ્યના ખેડૂતોની નહીં પરંતુ દેશભરના તમામ ખેડૂતોની છે.
સિંધુ બોર્ડર પર ખેડૂતોએ નિવેદન આપતા કહ્યુ કે, ટેકાના ભાવ અંગે અમારી વાતચિત સરકાર સાથે ચાલી રહી છે અમારી એક જ માંગણી છે કે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવે. જો સરકારી અમારી આ માંગણી નહીં સ્વીકારે તો આંદોલન વધારે ઉગ્ર બનશે. અમે આઠ ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કર્યુ છે. આ દરમિયાન તમામ ટોલ પ્લાઝા બંધ રહેશે. દિલ્હી આવતા તમામ રોડ-રસ્તાઓ બંધ કરવામાં આવશે.