નવી દિલ્હીઃ બેન્કોની જેમ હવે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં પણ મિનિમમ બેલેન્સ રાખવુ પડશે. જો ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો તમારે દંડ ચૂકવવો પડશે. ઇન્ડિયા પોસ્ટના મતે પોસ્ટ ઓફિસના બચતખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું ફરજિયાત કરવામાં આવ્યુ છે. આ નવા નિયમ 11 ડિસેમ્બરથી લાગુ થશે.
હવે પોસ્ટ ઓફિસના બચતખાતામાં 500 રૂપિયાનું મિનિમમ બેલેન્સ હોવુ ફરજિયાત છે જો તેનાથી ઓછું બેલેન્સ હશે તો બેન્કો 100 રૂપિયા એકાઉન્ટ મેઇન્ટેનન્સ ચાર્જ વસૂલશે.
ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ મુજબ પોસ્ટ ઓફિસ બચત ખાતાધારકો ને 11 ડિસેમ્બર સુધી પોતાના બચતખાતામાં મિનિમમ એકાઉન્ટ જાળવવુ પડશે. આ તારીખ બાદ મિનિમમ બેલેન્સ નહીં હોય તો દંડ થશે. પોસ્ટ ઓફિસ બચતખાતાના નિયમ મુજબ 500 રૂપિયાનું મિનિમમ બેલેન્સ જાળવી રાખવુ પડશે. જો કોઇના એકાઉન્ટમાં તેનાથી ઓછી રકમ હશે તો ઉપાડની મંજૂરી આપવામાં આવશે નહીં. જો નાણાકીય વર્ષના અંત સુધી એકાઉન્ટનું બેલેન્સ વધારીને 500 રૂપિયા ન કર્યુ તો એકાઉન્ટ મેઇન્ટેનન્સ ફી પેટે 100 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. જો એકાઉન્ટ બેલેન્સ શૂન્ય થઇ જાય તો બચતખાતુ આપમેળે બંધ થઇ જશે.
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ વયસ્ક, બાળકોના નામે વાલીઓ દ્વારા અથવા 10 વર્ષથી વધુ વયના બાળકો પોતાના નામે એકાઉન્ટ ખોલાવી શકે છે. એક વ્યક્તિ માત્ર એક જ એકાઉન્ટ ખોલાવી શકે છે. એકાઉન્ટ ખોલાવતી વખત નોમિનેશન ફરજિયાત છે. પોસ્ટનુ બચતખાતુ 500 રૂપિયાના મિનિમમ બેલેન્સ સાથે ખોલાવી શકાય છે. હાલ તેમાં વાર્ષિક 4 ટકા વ્યાજ મળે છે.