નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતાનુસાર આગામી થોડાંક સપ્તાહમાં કોરોના વાયરસનીં વેક્સીન તૈયાર થઇ જશે. તેમણે ગત શુક્રવારે સર્વપક્ષીય બેઠકમાં કહ્યુ કે, કોરોના વેક્સીનને વૈજ્ઞાનિક તરફથી મંજૂરી મળી જશે, તરત જ ભારતમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. વડાપ્રધાને રસીકરણ અભિયાન પર વિસ્તૃત માહિતી ન આપી પરંતુ એટલુ જરૂર કહ્યુ કે પ્રથમ તબક્કામાં કોને વેક્સીન મળશે, તેને લઇને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો તરફથી મળેસ સૂચનો મુજબ કામગીરી કરી રહી છે.
સરકારે પ્રથમ તબક્કા માટે ચાર પ્રાયોરિટી ગ્રૂપને ઓળખી કાઢ્યા છે. જેમાં આવશ્યક સેવાઓથી લઇને એવા લોકો શામેલ છે જેમને કોવિડ-19થી સૌથી વધારે ખતરો છે. પીએમ મોદીએ આ સમૂહ અંગે પણ જણાવ્યુ છે. આ ચાર પ્રાયોરિટી ગ્રૂપ ક્યા-ક્યા છે અને તેમાં કોનૃકોન શામેલ થશે, ચાલો જાણીયે…
પીએમ મોદીએ જણાવ્યુ કે, નિષ્ણાંતો એવું માનીને ચાલી રહ્યા છે કે, હવે કોરોનાની વેક્સીનની માટે વધારે રાહ જોવી પડશે નહીં. તેમણે કહ્યુ કે, રસીકરણ અભિયાનમાં પ્રાથમિકતા કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્ક્ર્સ અને જેઓ પહેલાથી જ ગંભીર બિમારીઓ સામે લડી રહ્યા છે, તેવા વૃદ્ધ લોકોને આપવામાં આવશે.
તેમણે વેક્સીનની કિંમત મામલે કહ્યુ કે, કેન્દ્ર સરકાર આ મામલે રાજ્ય સરકારો પાસેથી વાતચિત કરી રહી છે. વેકસીનની કિંમતોને લઇને લોકોના આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે અને રાજ્ય સરકારો તેમાં સંપૂર્ણ સહભાગી હશે.
પ્રથમ પ્રાયોરિટી ગ્રૂપમાં હેલ્થ વર્કર્સ છે. જેમાં એવા લોકો છે જેમણે મહામારીની શરૂઆતથી લડાઇ લડી છે. ડોક્ટરો, નર્સ, પેરામેડિકલ, હેલ્થકેર સપોર્ટ સ્ટાફ આ ગ્રૂપમાં શામેલ થશે. કારણ કે આવા લોકો કોરોના સંક્રમિતોના વધારે સંપર્કમાં આવે છે, આથી સંક્રમણનુ જોખમ તેમને સૌથી વધારે છે. આથી સૌથી પહેલા આવા હેલ્થ વર્કરોને રસી મૂકવામાં આવશે.