બ્યૂનસ ઓયર્સઃ આર્જેન્ટિનાની સરકારે જીવલેણ કોરોના વાયરસની મહામારીને ફેલાતી રોકવા માટે કરવામાં આવેતા ઉપાયો પાછળના ખર્ચ માટે ભંડોળ એક્ત્ર કરવા અબજોપતિ અને ધનવાન વ્યક્તિઓ પર નવો ટેક્સ લાદયો છે. આર્જેન્ટિના સરકારના આ નવા ટેક્સથી ત્યાંના 12 હજાર ધનવાન વ્યક્તિઓ પ્રભાવિત થશે અને તેમણે નવો ટેક્સ ચૂકવવો પડશે. આ નવા મિલિયોનર ટેક્સથી આર્જેન્ટિનાની સરકારે 300 અબજ પૈસો (3.75 અબજ ડોલર) એક્ત્ર થવાની અપેક્ષા છે.
આર્જેન્ટિનાની સંસદે આજે ‘મિલિયોનર ટેક્સ’ નામના ખરડાને મંજૂરી આપવામાં આવી છે. જે હેઠળ દેશના ધનવાન વ્યક્તિઓ પર ‘મિલિયોનર ટેક્સ’ લાદવામાં આવશે અને તેનાથી પ્રાપ્ત થતી રકમનો ઉપયોગ કોરોના મહામારી સંબંધિત લેવામાં આવતા પગલાંઓ પાછળ ખર્ચ કરવામાં આવશે. જેમાં મેડિકલ સપ્લાય અને તથા ગરીબો અને નાના વેપારીઓને આપવામાં આવેલ રાહત શામેલ છે.
આજે આર્જેન્ટિનાની સંસદે આ ટેક્સને મંજૂરી પણ આપી દીધી છે. આ ટેક્સથી સંબંધિત ખરડા પર સેનેટમાં થયેલ ચર્ચાને યુટ્યુબ પર લાઇવ પ્રસારિત કરવામાં આવી છે. લાંબા સમય સુધી ચાલેલી ઉગ્ર ચર્ચા બાદ 42 સાંસદોએ ટેક્સ લાદવાના પક્ષમાં જ્યારે 26એ વિરોધમાં મત આપ્યો હતો.
જાણો ધનાઢ્યોએ કેટલો કોરોના ટેક્સ ચૂકવવો પડશે?
આર્જેન્ટિનાની સરકારે ધનવાન વ્યક્તિઓ પર મિલિયોનર ટેક્સ લાદવાનું નક્કી કર્યુ છે. આ નિર્ણય 12,000 જેટલા ધનાઢ્યોએ વધારે ટેક્સ ચૂકવવો પડશે. આર્જેન્ટિના સરકારના આ નવા મિલિયોનર ટેક્સ હેઠળ એવા ધનવાન વ્યક્તિઓએ કરવેરો ચૂકવવો પડશે જેમની જાહેર કરેલ સંપત્તિ 20 કરોડ પૈસોથી વધારે છે. આવા લોકોએ દેશમાં રહેલી તેમની સંપત્તિ પર 3.5 ટકા અને વિદેશમાં રહેલી સંપત્તિ પર 5.25 ટકા કરવેરો ચૂકવવો પડશે. આ મિલિયોનર ટેક્સથી પ્રાપ્ત થનાર રકમમાંથી 20 ટકા મેડિકલ સપ્લાયની માટે ખર્ચાશે. તો 20 ટકા નાના અને મધ્યમકદના વેપારીઓને-ઉદ્યોગોને સહાય પેટે આપવામાં આવશે. તો 15 ટકા રકમ સામાજીક વિકાસ પાછળ ખર્ચવામાં આવશે, 20 ટકા રકમ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા અને 25 ટકા રકમ નેચરલ ગેસ વેન્ચર્સમાં રોકાણ માટે વપરાશે..
ઉલ્લેખનિય છે કે, આર્જેન્ટિનાની 4.4 કરોડની વસ્તી કોરોના વાયરસની મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. જોન હોપકિંગ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ દેશમાં કોરનાના 14 લાખથી વધારે કેસો નોંધાયા છે અને 39,500થી વધારે લોકોના મોત નિપજ્યા છે.