વધુ પડતી એન્ટિબાયોટિક દવાઓ લેતા પહેલાં 100 વાર વિચારજો, શરીર બની જશે રોગોનું ઘર; આ દર્દીઓ માટે મોટું જોખમ!

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
6 Min Read

એન્ટીબાયોટિક દવાઓનો અતિરેક બની રહ્યો છે ‘ધીમું ઝેર’: શરીરમાં વધતું ગંભીર રેઝિસ્ટન્સ, જાણો કયા દર્દીઓ માટે તોળાઈ રહ્યું છે સૌથી મોટું જોખમ

આજના ભાગદોડભર્યા જીવનમાં સેલ્ફ-મેડિકેશન એટલે કે ડૉક્ટરની સલાહ વિના જાતે જ દવાઓ ખરીદીને ગળી જવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. સહેજ શરદી-ખાંસી થઈ નથી કે મેડિકલ સ્ટોર પર જઈને એન્ટીબાયોટિક દવાઓ લેવાનું શરૂ કરી દેવાય છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ નાની લાગતી આદત તમારા શરીરને એક એવા ગંભીર મોડ પર લાવીને ઊભી રાખી શકે છે જ્યાં સામાન્ય બીમારીઓ પણ જીવલેણ બની જાય?

તબીબી જગતમાં અત્યારે એક નવો અને અત્યંત ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) કહેવામાં આવે છે. તેનો સરળ અર્થ એ છે કે જ્યારે તમે નાની-નાની તકલીફોમાં વારંવાર ભારે એન્ટીબાયોટિક દવાઓ લો છો, ત્યારે તમારા શરીરમાં રહેલા બીમારી ફેલાવતા બેક્ટેરિયા તે દવાઓ સામે લડતા શીખી જાય છે. ધીમે-ધીમે આ દવાઓ શરીર પર અસર કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દે છે, જેને કારણે સામાન્ય ચેપ (Infection) નું ઈલાજ કરવું પણ અશક્ય બની જાય છે.

- Advertisement -

Antibiotic.jpg

વૈશ્વિક સ્તરે મોતનો આંકડો ચોંકાવનારો: WHO ની ગંભીર ચેતવણી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના આંકડાઓ અનુસાર, એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ માત્ર એક સામાન્ય તબીબી સમસ્યા નથી, પરંતુ તે એક સાયલન્ટ કિલર રોગચાળો બની રહ્યો છે. વર્ષ ૨૦૧૯ ના એક અહેવાલ મુજબ, સમગ્ર વિશ્વમાં અંદાજે ૧૨.૭ લાખ લોકોના મોત સીધા આ રેઝિસ્ટન્સના કારણે થયા હતા, જ્યારે આશરે ૪૯.૫ લાખ લોકોના મોત પાછળ આડકતરી રીતે આ સમસ્યા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

તાજેતરમાં ડબ્લ્યુએચઓ (WHO) દ્વારા જાહેર કરાયેલા ‘ગ્લોબલ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ સર્વેલન્સ રિપોર્ટ’ માં વિશ્વના લગભગ ૧૦૦ દેશોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બ્લડ સ્ટ્રીમ ઇન્ફેક્શન (લોહીનો ચેપ) અને યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (પેશાબનો ચેપ – UTI) જેવી સામાન્ય ગણાતી બીમારીઓમાં પણ હવે દવાઓ બેઅસર સાબિત થઈ રહી છે અને રેઝિસ્ટન્સનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે.

ભારતમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનો કેટલો ખતરો?

ભારત જેવા દેશમાં આ સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જોલી હેલ્થકેરના મેડિકલ સ્પોક્સપર્સન ડૉ. સુફી રૂમીના જણાવ્યા અનુસાર, “અમારી રોજિંદી ક્લિનિકલ પ્રેક્ટિસમાં એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સ્પષ્ટપણે દેખાવા લાગ્યું છે. જે સામાન્ય ઇન્ફેક્શન્સ અગાઉ એક કે બે હળવી ગોળીઓથી સરળતાથી મટી જતા હતા, તેના માટે હવે દર્દીઓને હાઈ-ડોઝની મજબૂત એન્ટીબાયોટિક આપવી પડે છે અને અનેક ચોક્કસ લેબોરેટરી ટેસ્ટ કરાવવા પડે છે.”

ભારતમાં આ સ્થિતિ સર્જાવા પાછળના કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ છે:

- Advertisement -

સેલ્ફ-મેડિકેશન: લોકો ડૉક્ટરની ફી બચાવવા અથવા સમયના અભાવે જાતે જ જૂની પ્રિસ્ક્રિપ્શન જોઈને દવાઓ લે છે.

મેડિકલ સ્ટોર્સ પર સરળ ઉપલબ્ધતા: કાયદાકીય કડકાઈ હોવા છતાં, ભારતમાં હજુ પણ પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટીબાયોટિક દવાઓ સરળતાથી મળી જાય છે.

ઇન્ફેક્શન કંટ્રોલનો અભાવ: હોસ્પિટલો અને જાહેર સ્થળો પર સ્વચ્છતાની નબળી વ્યવસ્થાના કારણે રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે.

તપાસમાં વિલંબ: રોગની સાચી ઓળખ કર્યા વિના જ સીધી એન્ટીબાયોટિક શરૂ કરી દેવાની ઉતાવળ.

આ પ્રકારના દર્દીઓ માટે તોળાઈ રહ્યું છે સૌથી મોટું જોખમ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) પણ હવે પોતાના ખાસ સર્વેલન્સ નેટવર્ક દ્વારા દેશભરમાં એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સની સતત દેખરેખ રાખી રહ્યું છે. આ સંશોધનમાં ખાસ કરીને ‘ઈ-કોલાઈ’ (E. coli) જેવા અત્યંત જિદ્દી બેક્ટેરિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જે સેપ્સિસ, ન્યુમોનિયા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં થતા ગંભીર સંક્રમણો માટે જવાબદાર છે.

બેંગલુરુની સ્પર્શ હોસ્પિટલના ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ અને હેડ ડૉ. હેમંત એચ. આર. ના જણાવ્યા અનુસાર, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ સીધી રીતે દર્દીઓની સુરક્ષા અને તેમના જીવ માટે જોખમ ઊભું કરે છે. જ્યારે કોઈ દર્દીના શરીરમાં આ રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે, ત્યારે સામાન્ય રીતે ૪-૫ દિવસમાં રિકવર થઈ જતો દર્દી અઠવાડિયો સુધી આઈસીયુ (ICU) માં વેન્ટિલેટર પર આવી જાય છે.

આ જોખમ ખાસ કરીને નીચેના દર્દીઓમાં સૌથી વધુ જોવા મળે છે:
૧. વૃદ્ધો અને બાળકો: જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.
૨. ICU માં દાખલ દર્દીઓ: જેઓ લાંબા સમયથી હોસ્પિટલના વાતાવરણમાં છે.
૩. સર્જરી કરાવેલા લોકો: ઓપરેશન પછી ટાંકા સુકાવા કે ઇન્ફેક્શન રોકવા માટે અપાતી દવાઓ જો કામ ન કરે તો સ્થિતિ બગડે છે.
૪. ગંભીર બીમારીથી પીડિતો: કેન્સર, કિડની ફેલ્યોર કે ડાયાબિટીસ જેવી લાંબી બીમારી ધરાવતા લોકો.

Antibiotic2.jpg

આત્મરક્ષણ માટે શું કરવું? તબીબોની મહત્વની સલાહ

જો આપણે અત્યારે જ નહીં સુધરીએ, તો ભવિષ્યમાં નાની અમથી ઈજા કે શરદી પણ માણસનો જીવ લઈ શકે છે. આ ગંભીર પરિસ્થિતિમાંથી બચવા માટે હોસ્પિટલ અને દર્દી બંને સ્તરે જાગૃતતા લાવવી અનિવાર્ય છે. હોસ્પિટલોએ હેન્ડ હાઇજીન (હાથની સફાઈ), ઈન્ફેક્શન પ્રિવેન્શન અને લેબોરેટરી કલ્ચર ટેસ્ટના આધારે જ ચોક્કસ સારવાર આપવાની પદ્ધતિને મજબૂત કરવી પડશે.

બીજી તરફ, સામાન્ય નાગરિક તરીકે આપણે પણ કેટલીક બાબતો ગાંઠે બાંધવી પડશે. ક્યારેય પણ ડૉક્ટરની લેખિત સલાહ વિના એન્ટીબાયોટિક દવાઓ ન ખરીદો. સૌથી અગત્યની વાત એ છે કે, જ્યારે ડૉક્ટર તમને ૫ કે ૭ દિવસનો એન્ટીબાયોટિકનો કોર્સ આપે, ત્યારે ૨ દિવસમાં સારું થઈ ગયા પછી પણ કોર્સ અધૂરો ન છોડો. જો તમે અધવચ્ચેથી દવા બંધ કરશો, તો બચેલા બેક્ટેરિયા વધુ શક્તિશાળી બનીને આગામી સમયમાં તે દવાને બેઅસર કરી દેશે. યાદ રાખો, આજે બિનજરૂરી રીતે લેવાયેલી એક પણ એન્ટીબાયોટિક ગોળી, ભવિષ્યમાં તમારા ઈલાજના તમામ દરવાજા બંધ કરી શકે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.