અમદાવાદઃ ભારતીય શેરબજારમાં સળંગ સાતમાં દિવસે રેકોર્ડ રેલી જોવા મળી સૂચકાંકો નવી ઐતિહાસિક ઉંચાઇને સ્પર્શ્યા હતા. આજે ભારતીય શેરબજાર પોઝિટિવ ગેપ સાથે ગ્રીન ઝોનમાં ખુલીને નવા ઉંચા સ્તરે પહોંચ્યા હતા. જેમાં સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 45,742 અને નિફ્ટીએ 13,435.45ની નવી ટોચ બનાવી હતી. ત્યારબાદ સાંકડી વધઘટ બાદ સેશનના અંતે સેન્સેક્સ 181 પોઇન્ટના સુધારામાં 45608 અને નિફ્ટી 37 પોઇન્ટની મજબૂતીમાં 13393ના સ્તરે બંધ રહ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સમાં સતત આઠમાં દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. સ્મોલ કેપ અને મિડકેપ સ્ટોકમાં પણ લેવાલી દેખાઇ. સ્મોલકેપ ઇન્ડેક્સ મે-2008 પછીની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. તો મિડકેપ ઇન્ડેક્સ પણ ત્રણ વર્ષની ઊંચાઇએ પહોંચ્યો.
શેરબજારમાં તેજીની પાછળ માર્કેટ કેપિટલાઇઝેશન પર સતત વધી રહ્યુ છે. આજે બીએસઇનું માર્કેટકેપ વધીને 181. 61 લાખ કરોડ રૂપિયાને આંબી ગયુ જે અત્યાર સુધીનું સૌથી વધુ માર્કેટકેપ છે.
આઇ સ્ટોરમાં તેજીથી શેરબજારને ઉંચે પહોંચવામાં મદદ મળી છે. પીએસયુ બેન્કોના શેરમાં પણ સારી એવી લેવાલી દેખાઇ હતી. જો કે મેટલ અને પાવર સ્ટોકમાં આજે નફાવસૂલી આવી હતી અને. રિયલ્ટી સ્ટોકમાં લેવાલીનો માહોલ હતો. બેન્ક નિફ્ટી 50 પોઇન્ટ સુધરીને 30,262 પર બંધ થયો. તો મિડકેપ ઇન્ડેક્સ 11 પોઇન્ટના સુધારામાં 20,439ના સ્તરે બંધ થયો.
આજે સેન્સેક્સના 30માંથી 16 અને નિફ્ટી-50 ઇન્ડેક્સના 50માંથી 19 શેર ગ્રીન ઝોનમાં બંધ હતા. જેમાં સેન્સેક્સ ખાતે એલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, રિલાયન્સ, એચસીએલ ટેક, ઇન્ફોસિસ અને એસબીઆઇ એકથી 3.15 ટકા વધ્યા હતા. તો સામે સનફાર્મા, ઇન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, ટેક મહિન્દ્રા, ઓએનજીસી અને એશિયન પેઇન્ટના શેર સવા એકથી અઢી ટકા જેટલા તૂટ્યા હતા.