નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ સામે પંજાબના ખેડૂતો સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ હતુ અને પંજાબ-હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારતબંધની સારી એવી અસર જોવા મળી હતી.
ખેડૂતોનો આક્રોશ શાંત પાડવા માટે આજે દેશના ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહે ખેડૂત સંગઠનો સાથે સાંજે 7 વાગે બેઠક બોલાવી છે. આ બેઠકે ઉત્સુકતા વધારી દીધી છે કારણે કે, અમિત શાહે એવા સમયે અચાનક આ બેઠક બોલાવી છે જ્યારે કેન્દ્ર સરકાર પહેલાથી જ 9 ડિસેમ્બરના રોજ એટલે કે બુધવારે ખેડૂત સંગઠનો સાથે મુલાકાત કરવાના છે.
પ્રાપ્ત માહિતીઓ મુજબ આજે સવારમાં જ અમિત શાહ તરફથી ખેડૂતોને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જે અંતર્ગત કુલ 13 સભ્યો અમિત શાહ સાથે મુલાકાત કરશે.
અમિત શાહે સિંધૂ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂતોને બોલાવ્યા છે. રાકેશ ટિકૈતને પણ બેઠકમાં બોલાવ્યા છે. રાકેશ ટિકૈતે જણાવ્યુ હતું કે, મારા પર ફોન આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે મળવા માટે બોલાવ્યા છે. અમે અને અમારા નેતાઓ જશે, તેમણે સાંજે 7 કલાકે મળવા બોલાવ્યા છે.
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ કે, હાલ તો સિંધુ બોર્ડર જઇ રહ્યા છીએ, જ્યાંથી તેઓ ગૃહ મંત્રી સાથે મુલાકાત કરવા જશે.
તો બીજી બાજુ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલખટ્ટરે પણ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી.તો પોતાના જૂના સાથી અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચિત કરી હતી. ઉલ્લેખનિય છે કે, થોડાંક દિવસ અગાઉ કૃષિ કાયદો સામે વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પ્રકાશ સિંહ બાદલે પોતાનો પદ્મ વિભૂષણ સમ્માન સરકારને પરત કરી દીધુ હતુ.