નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં વધી રહેલા કોરોના વાયરસના કેસો અને આર્થિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ફરી સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ સર્જાયો છે. આજે બંને કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. જેમાં આજે મંગળવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 816 રૂપિયા અને ચાંદીમાં 3000 રૂપિયાથી વધીનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ આજે દિલ્હીના ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 816 રૂપિયા વધીને 49,430 રૂપિયા થયો હતો. સોમવારે દિલ્હીમાં સોનાનો ભાવ 48,614 રૂપિયા હતો. તેવી જ રીતે ચાંદીના ભાવ પણ 3063 રૂપિયા ઉછળીને 64,361 રૂપિયા થયા હતા. સોમવારે તેનો ભાવ 61,298 રૂપિયા હતો.
એચડીએફસી સિક્યોરિટીઝના સિમિયર કોમોડિટીઝ એનાલિસ્ટ તપન પટેલનું કહેવુ છે કે, વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીના ભાવમાં આવેલા તીવ્ ઉછાળાને પગલે ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓના ભાવ ઝડપથી વધ્યા છે. જેમાં સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં 24 ડોલર ઉછળીને 1862 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદીના ભાવ પણ સાધારણ વધીને 24.57 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા. ટકાવારીની રીતે આજે સોના અને ચાંદીના ભાવ 1.3 ટકા વધ્યા હતા.
ભારતના અન્ય બુલિયન બજારોંમાં પણ સોના-ચાંદીના ભાવમાં આજે તીવ્ર ઉછાળો આવ્યો હતો. જેમાં અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં 600 રૂપિયા ઉછળ્યા હતા અને પ્રતિ 10 ગ્રામ દીઠ ભાવ 51,500 રૂપિયા થયો હતો. તેવી જ રીતે ચાંદી પણ મોંઘી થઇ હતી અને એક કિગ્રાનો ભાવ આજે 1500 રૂપિયાના ઉછાળે 64,000 રૂપિયા થયો હતો.