અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે. જો કે અમદાવાદમાં હજી પણ દૈનિક કેસોની સંખ્યા 300ની આસપાસ ટકી રહી છે. ગુજરાતમાં આજે મંગળવારે કોરોના વાયરસના 1325 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 278 કેસ અને અમદાવાદ જિલ્લામાં 16 કોરોના કેસ નોંધાયા છે આમ મંગલવારે અમદાવાદ જિલ્લામાં કુલ 294 કોરોના સંક્રમિત નવા દર્દી વધ્યા છે.
તો બીજી બાજુ ગુજરાતમાં કોરોના સંક્રમિત 1531 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરના 273 દર્દી અને અમદાવાદ જિલ્લાના 22 દર્દી સાજા થયા છે. આમ અમદાવાદમાં આજે કૂલ 295 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ગુજરાતમાં આજે કોરોનાના ચેપથી 15 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદના 9 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
હાલમા અમદાવાદ શહેરમાં કુલ 238 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ કરવામા આવેલ વિસ્તૃત ચર્ચા-વિચારણાને અંતે 42 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજે એક પણ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવેલ નથી.
ગુજરાતમાં આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ 21 હજાર 493 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 14 હજાર 272 એક્ટિવ કેસ છે. જ્યારે 78 લોકોને ગંભીર સ્થિતી હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.