અમદાવાદમાં ઔદ્યોગિક એકમોમાં એક પછી એક આગ લાગવાની ગંભીર ઘટનાઓ ઘટી રહી છે. જેમાં ગત મંગળવારે મોડીરાત્રે અમદાવાદની વટવા જીઆઇડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી.
ગઇકાલ મંગળવારે મોડી રાતે એક વાગ્યાના અરસામાં માતંગી ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. આગે આસપાસની અન્ય ત્રણ ફેક્ટરીઓને પણ ઝપેટમાં લીધી હતી. આગને કારણે ધડાકા પણ થયા હતા. આ ધડાકા એટલા પ્રચંડ હતા કે ઇસનપુર સુધી સંભળાયા હતા. ભીષણ આગને અમદાવાદ ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો.
ફાયરના સોથી વધુ જવાનો દ્વારા આગ પર નિયંત્રણની કામગીરી કરાઇ હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ત્રણ ફેક્ટરીમાં આગ પર નિયંત્રણ મેળવ્યુ હતુ. જ્યારે કે એક ફેક્ટરીમાં આગ બુઝાવાની કામગીરી ચાલી રહી છે.. આગને કારણે થયેલા પ્રચંડ વિસ્ફોટથી આસપાસની ઇમારતોના કાચ પણ તૂટ્યા હતા. જોરદાર ધડાકાઓથી આસપાસનો વિસ્તાર ગૂંજી ઉઠતા લોકો પણ ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. આ આગની જ્વાળાઓ પણ દૂર સુધી દેખાતી હતી. આગને કારણે ભીડ પણ એકઠી થતા વટવા પોલીસનો કાફલો પણ રાતે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.