મોડર્ન લુક અને એડવાન્સ ફીચર્સ સાથે આવી રહી છે Honda City Facelift, લોન્ચ ડેટ આવી સામે
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મિડ-સાઈઝ સેડાન સેગમેન્ટમાં વર્ષોથી રાજ કરનારી હોન્ડા સિટી (Honda City) હવે તદ્દન નવા અવતારમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આકર્ષક ડિઝાઈન અને લેટેસ્ટ ટેક્નોલોજીના શોખીનો માટે હોન્ડા કંપની ટૂંક સમયમાં જ પોતાની પ્રખ્યાત કાર હોન્ડા સિટીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, કંપની આ નવી ચમકતી સેડાન કારને આગામી ૨૨ મેના રોજ બજારમાં ઉતારશે. આ વખતે કારના એક્સટીરિયર (બહારનો લુક) અને ઈન્ટીરિયર (કેબિન) બંનેમાં મોટા કોસ્મેટિક ફેરફારો જોવા મળશે, જે તેને પહેલા કરતા વધુ સ્પોર્ટી અને પ્રીમિયમ બનાવશે. જો કે, કારના એન્જિન અને મિકેનિકલ પેકેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હોન્ડા પ્રીલ્યુડથી પ્રેરિત નવો અને સ્પોર્ટી લુક
નવી હોન્ડા સિટી ફેસલિફ્ટની સૌથી મોટી ખાસિયત તેની નવી ડિઝાઈન શૈલી છે. કંપનીએ આ કારના લુકને પોતાની વૈશ્વિક સ્તરે લોકપ્રિય સ્પોર્ટ્સ કાર ‘હોન્ડા પ્રીલ્યુડ’ (Honda Prelude) ની ડિઝાઈનથી પ્રેરિત થઈને તૈયાર કર્યો છે. આ ફેરફારને કારણે સેડાનનો આગળનો હિસ્સો હવે વધુ પહોળો અને આક્રમક દેખાશે.

કેબિનમાં મળશે મોટો બદલાવ અને દમદાર ફીચર્સ
માત્ર બહારથી જ નહીં, પરંતુ કારની અંદર બેસતાની સાથે જ તમને પ્રીમિયમ લક્ઝરીનો અહેસાસ થશે. કારના પાછળના ભાગમાં પણ સ્ટાઇલિંગ એલિમેન્ટ્સ અપડેટ કરવામાં આવ્યા છે અને નવા આકર્ષક ડિઝાઇનવાળા એલોય વ્હીલ્સ (Alloy Wheels) આપવામાં આવ્યા છે, જે તેને વર્તમાન વેરિઅન્ટથી અલગ પાડે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી હોન્ડા સિટી ફેસલિફ્ટના કેબિનમાં મોટો અપગ્રેડ જોવા મળશે. કારમાં હવે પહેલા કરતા ઘણું મોટું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવા લેઆઉટ સાથેનું ડેશબોર્ડ અને રિડિઝાઇન કરાયેલા કંટ્રોલ બટનો જોવા મળશે. જો કે, ડ્રાઇવરના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો લુક પહેલા જેવો જ રાખવામાં આવ્યો છે, પરંતુ કેબિનના બાકીના હિસ્સાને વધુ આધુનિક ટચ આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ગ્રાહકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કારમાં ૩૬૦-ડિગ્રી કેમેરા સિસ્ટમ (360-Degree Camera) અને ડ્રાઇવર માટે પાવર્ડ સીટ જેવા પ્રીમિયમ ફીચર્સ પણ ઉમેરાઈ શકે છે, જે આ સેગમેન્ટની અન્ય કારોને જોરદાર ટક્કર આપશે.
એન્જિન અને ગિયરબોક્સમાં કોઈ ફેરફાર નહીં
નવી હોન્ડા સિટીમાં ફીચર્સ અને લુકના મામલે ભલે ઘણા બદલાવ થયા હોય, પરંતુ તેના પાવરફોર્મન્સ અને ભરોસાપાત્ર એન્જિનમાં કોઈ છેડછાડ કરવામાં આવી નથી. આ સેડાન કારમાં હોન્ડાનું એ જ જાણીતું અને સ્મૂધ ૧.૫-લીટરનું પેટ્રોલ એન્જિન મળવાનું ચાલુ રહેશે, જે હાલની સિટી લાઇનઅપમાં આવે છે.
ટ્રાન્સમિશન એટલે કે ગિયરબોક્સના ઓપ્શન પણ પહેલા જેવા જ રહેશે. ગ્રાહકો પોતાની પસંદગી મુજબ મેન્યુઅલ (Manual) અથવા સીવીટી ઓટોમેટિક (CVT Automatic) ગિયરબોક્સની પસંદગી કરી શકશે. હોન્ડાનું આ એન્જિન પોતાના શાનદાર પરફોર્મન્સ અને ઉત્તમ માઇલેજ માટે ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.
સેડાન સેગમેન્ટમાં વધશે સ્પર્ધા
સ્ટાઇલિંગમાં નવા સ્પોર્ટી ફેરફારો, એડવાન્સ ટેક્નોલોજી, પ્રીમિયમ ફીચર્સ અને જૂના ભરોસાપાત્ર એન્જિનના સમન્વય સાથે હોન્ડા હવે પોતાની સિટીને વધુ યુવા અને ફીચર-રિચ કાર તરીકે માર્કેટમાં રજૂ કરવા જઈ રહી છે. ભારતીય બજારમાં મિડસાઈઝ સેડાન સેગમેન્ટમાં હ્યુન્ડાઈ વર્ના, ફોક્સવેગન વર્ટુસ અને સ્કોડા સ્લાવિયા જેવી કારો સામે કડી હરીફાઈ કરવા માટે આ ફેસલિફ્ટ મોડલ સંપૂર્ણપણે તૈયાર છે.
