નવી દિલ્હીઃ શેરબજારની તેજીને પગલે હાલ બુલિયન બજારમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને તેને પગલે સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ છે. આજે બુધવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 118 રૂપિયા અને ચાંદીનો ભાવ 875 રૂપિયા ઘટ્યા હતા. આજના ઘટાડાને પગલે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 49,221 રૂપિયા અને ચાંદીનો ભાવ 63,410 રૂપિયા પ્રતિ કિગ્રા થયો હતો. ગત મંગળવારે દિલ્હીમાં સોનાનો ભાવ 49,339 રૂપિયા અને ચાંદીનો ભાવ 64,285 રૂપિયા હતો.
દિલ્હીની જેમ ભારતના અન્ય ઝવેરી બજારોમાં પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. જેમાં અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનાનો ભાવ 100 રૂપિયા ઘટ્યો હતો અને પ્રતિ 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ 51,400 રૂપિયા થયો હતો. સોનાની પાછળ ચાંદી પણ સસ્તી થઇ હતી. જેમાં ચાંદીનો ભાવ આજે 500 રૂપિયા પણ ઘટીને પ્રતિ એક કિગ્રા દીઠ 63,500 રૂપિયા થયો હતો. ગત મંગળવારે અમદાવાદ ખાતે સોનાનો ભાવ 51,500 રૂપિયા અને ચાંદીનો ભાવ 64,000 રૂપિયા હતો. આજે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 8 ડોલર જેટલો સુધરીને 1871 ડોલર અને ચાંદીનો ભાવ 24.63 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો.
બુલિયન બજારોના જાણકારોનું કહેવુ છે કે, હાલ સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ છે જેની પાછળે મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. એક તો કોરોના વેક્સીન સત્વરે બજારમાં ઉપલબ્ધ થવાની આશાને લીધે હાલ વિશ્વભરના શેરબજારોમાં આવેલી તેજીથી રોકાણકારો ફરી ઇક્વિટી માર્કેટ તરફ આકર્ષાયા છે. જેના લીધે હાલ સોના-ચાંદીના ભાવ ઉપર દબાણ આવ્યુ છે.