સમગ્ર દુનિયાના દેશો કોરોના વાયરસના કહેરથી બચવા માટે જલ્દીથી જલદી રસીકરણ શરૂ કરવા માંગે છે. આ દોડમાં હવે કેનેડા પણ શામેલ થઇ ગયુ છે. બ્રિટન અને બહરીન બાદ હવે કેનેડાએ બુધવારે બે કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. તેમાં ફાઇઝર ઇન્ક અને બાયોએનટેક એસઇ કંપની શામેલ છે. તેની સાથે જ કેનેડામાં વેક્સીન મૂકવાની કામગીરી પૂરજોશમાં ચાલશે.
કેનેડના આરોગ્ય વિભાગ તરફથી કહેવાયુ કે કેનેડાના લોકો વિશ્વાસ કરી શકે છે કે આપણી પાસે મજબૂત સર્વેલન્સ સિસ્ટમ છે અને તેની મારફતે કડક સમીક્ષા કરવામાં આવી છે. જેવી જ વેક્સીન બજારમાં આવશે હેલ્થ કેનેડા અને પબ્લિક હેલ્થ એજન્સી ઓફ કેનેડા અત્યંત ઝીણવટપૂર્વક આ કોરોના વેક્સીન પર નજર રાખશે અને જો કોઇ ચિંતાજનક બાબત સામે આવી તો જરૂરી નિર્ણય લઇશું.
અમેરિકામાં ફાઇઝરની વેક્સીન મંજરીના અંતિમ તબક્કામાં
અમેરિકન નિયામકે દવા કંપની ફાઇઝરની કોવિડ-19ની વેક્સીન અંગે પહેલી વૈજ્ઞાનિક સમીક્ષા જારી કરી છે ને પૃષ્ટી કરી છે કે આ રસી અસરકારક છે. તેને મંજૂરી મળ્યા બાદ દેશમાં સૌથી મોટું રસીકરણ અભિયાનના માર્ગે આગળ વધશે. અમેરિકન નિયામક ખાદ્ય અને દવા સત્તામંડળ (યુએસએફડીએ) ના વૈજ્ઞાનિકોએ મંગળવારે આ સમીક્ષા જાહેર કરી હતી. આગામી થોડાંક જ દિવસોમાં એફડીએનો નિર્ણય આવી જશે અને રસીકરણ અભિયાન શરૂ થઇ જશે.