રાજ્ય માં ઠેરઠેર રસ્તાઓ તૂટી જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ચોમાસા માં માત્ર છુટાછવાયા થિંગડા મારી વેઠ ઉતારવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લા ના તળાજા થી મહુવા તરફ જતા પસવી ગામ સુધી નો રસ્તો ખુબજ બિસ્માર થઈ જતા ગ્રામજનો માં ભારે આક્રોશ મીશ્રીત નારાજગી જોવા મળી રહી છે.
પસ્વી ગામ ના લોકો ને દિવસ દરમ્યાન અનેક વખત તળાજા જવાનું થતું હોવાથી ભંગાર રસ્તા ને કારણે વાહનો 20 ની સ્પીડે ચલાવવા પડતા હોવાથી મોટાભાગ નો સમય તળાજા જવા આવવામાં જ નીકળી જાય છે.
એટલુંજ નહિ પણ કોરોના માં મોટી ઉંમરના સીનીયર સીટીઝન ને તળાજા લઈ જવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે અને પ્રસૂતા બહેનો ને ઇમરજન્સી માં તળાજા કઈ રીતે લઈ જવા તે પ્રશ્ન વિકટ બન્યો છે છેલ્લા ઘણાજ સમય થી આ રસ્તો અત્યંત બિસ્માર હોવાછતાં અને સબંધિત વિભાગ માં રજુઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.
નોંધનીય બાબત તો એ છે કે અહીંના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા આ અંગે ભાવનગર જિલ્લા કલેકટર સહિત હાઇવે ઓથોરિટી ને લેખિત જાણ કરી રજુઆત કરી હોવાછતાં સબંધિત વિભાગ દ્વારા કોઈજ પગલાં ભરવામાં આવ્યા નથી.
જોકે,એક વાત એવી પણ ચર્ચાય છે કે અહીં કોંગ્રેસ ના ધારાસભ્ય નો મત વિસ્તાર હોઈ જાણી જોઈને કામો કરવામાં આવતા નથી અને જનતા ને હેરાન કરવામાં આવી રહી છે.
પસવી ગામ ના જાગૃત નાગરિક અને પંચાયત ના સભ્ય એવા રઘુભા સરવૈયા એ જણાવ્યું કે લોકો ખુબજ હેરાન થઈ રહ્યા છે ત્યારે સંબંધિત વિભાગ દ્વારા તળાજા થી પસ્વી સુધીનો રોડ નું કામ તાત્કાલિક ધોરણે કરાવે તે જરૂરી છે અન્યથા આંદોલન કરવાની ફરજ પડશે.