અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન સંક્રમિત દર્દીઓના પુરતા પ્રમાણમાં મફત સારવાર મળે તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલો તરીકે જાહેર કરી હતી અને તેમા કેટલાંક બેડ ડેઝિગ્નેટેક ક્વોટા તરીકે રાખ્યા હતા. જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં આ ડેજિગ્નેટેડ ક્વોટા હેઠળ સારવાર મેળવનાર દર્દીઓના ખર્ચનું બીલ અમદાવાદ AMC ચૂકવશે એવુ નક્કી કરાયુ હતુ.
કોરોના સંક્રમિત દર્દીઓનો મફત સારવાર કરવાના પગલે અમદાવાદ AMCની તિજોરી પર મોટો બોજ પડ્યો છે. અમદાવાદ AMC એ જે ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી છે, તેમના બિલના નાણા ચુકવવામાં તંત્ર થાકી ગયુ છે. પ્રાપ્ત માહિતી મુજબ શરૂઆતથી લઇને 1લી ડિસેમ્બર સુધી રૂ. 280 કરોડના બીલો ખાનગી કોવિડ હોસ્પિટલો દ્વારા કોર્પોરેશનને મોકલાયા છે. કોવિડની સારવાર શરૂ કરવામા આવી ત્યારથી 1 ડીસેમ્બર સુધી 280 રૂપિયા કરોડના બીલો આવતા કોર્પોરેશનની તિજોરી પર મોટા બોજો પડ્યો છે. અમદાવાદ AMC દ્વારા 280 કરોડ રૂપિયામાંથી 255 કરોડ રૂપિયા ચુકવી દેવામા આવ્યા છે. આમ, કોરોનાને કારણે અમદાવાદ AMC પર મોટો નાણાંકીય બોજો પડ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે માટે ખાનગી કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં સરકારી કવોટા જાહેર કરવામા આવે છે, પરંતુ ખાનગી હોસ્પિટલોના તોતિંગ અને કમરતોડ બીલને પગલે તંત્ર હવે કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં સરકારી કવોટા વધારવાના મુડમાં નથી.
સુત્રોના મતે અમદાવાદ AMC દ્વારા એસવીપી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ પાછળ 400 કરોડથી વધુનો ખર્ચ કરવામા આવ્યો છે. ખાનગી હોસ્પિટલના બેડમાં વધારો કરવાને બદલે ગાંઘીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના 100 બેડ વધારો કરવામાં આવ્યો છે. તેમજ એસવીપીમાં નવા બેડ તૈયાર કરાયા, પરંતુ ખાનગી હોસ્પિટલના બેડમાં વધારો કરી તંત્ર પોતાના માથે બોજો વધારવા ઈચ્છતુ નથી.