મુંબઇઃ દેશના સૌથી મોટા ધનવાન મુકેશ અંબાણીના પરિવાર માટે અત્યંત ખુશીનો દિવસ છે. આજે અંબાણી પરિવારમાં એક નવા મહેમાનનું આગમન થયુ છે. મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશની પત્ની શ્લોકાના ઘરે પારણું બંધાયુ છે. અંબાણી પરિવારની પુત્રવધુ શ્લોકાએ આજે સવારે 11 વાગે એક દિકરાને જન્મ આપ્યો છે.
અંબાણી પરિવાર તરફથી આપવામાં આવેલા નિવેદન મુજબ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી શ્લોકા અને આકાશ અંબાણી આજે માતા-પિતા બન્યા છે. તેમના ઘરે દિકરાનો જન્મ થયો છે. ઘરે પૌત્રનો જન્મ થતા દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બનવાથી અત્યંત ખુશ છે. એક નવા મહેમાનના આગમનથી સમગ્ર અંબાણી પરિવાર ખુશીથી ઝુમી ઉઠ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશના શ્લોકા સાથે પાછલા વર્ષે માર્ચમાં લગ્ન થયા હતા. આકાશ અને શ્લોકા બંને સ્કુલ સમયના મિત્ર છે. બંનેનું શાળાકીય શિક્ષણ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયુ છે. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિક્લ સાયન્સમાંથી લોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. શ્લોકા સામાજીક કાર્યકર્તા પણ છે. તેમણે વર્ષ 2015માં કનેક્ટ ફોર નામની એનજીઓની શરૂઆત પણ કરી હતી, જે જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ, ભોજન અને ઘરની સુવિધા પુરી પાડે છે. આકાશ અને શ્લોકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મોરિટ્ઝ ખાતે રાખવામાં આવ્યુ જે ત્રણ દિવસ સુધી ચાલ્યુ હતુ. આ સેલિબ્રેશનમાં ઘણી જાણીતી હસ્તીઓ શામેલ થઇ હતી.