મુંબઇઃ જો તમે મારુતિ સુઝુકી કંપનીની કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ચાલુ ડિસેમ્બર મહિનો પૂરો થાય તેની પહેલા કાર ખરીદી લો નહીંતર તમારે વધારે કિંમત ચૂકવવી પડશે. કારણ કે મારુતિ સુઝુકીએ જાન્યુઆરીથી તેની વિવિધ કારની કિંમતો ભાવ વધારવાની જાહેરાત કરી છે.
મારુતિ સુઝુકી કંપનીએ જણાવ્યું કે, વધતા ખર્ચાને પહોંચી વળવા માટે કારની કિંમત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શેર માર્કેટને આપવામાં આવેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું છે કે, છેલ્લા થોડા વર્ષો વિવિધ પ્રકારના મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં વધારાને કારણે કંપનીના વાહનોના ભાવ પર વિપરિત અસર પડી છે. એટલા માટે કંપનીએ આનો અમુક હિસ્સો ગ્રાહકોને ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.
કંપનીએ કહ્યું કે, આ કારણથી કંપની પોતાના વાહનોની કિંમત 1 જાન્યુઆરી 2021થી વધારશે. કંપનીએ તે સમયે લોકડાઉનથી સર્જાયેલી સમસ્યાઓમાંથી સુધારણા કરતી વખતે કંપની દ્વારા કારની કિંમતમાં વધારાની ઘોષણા કરવામાં આવી છે. હમણાં કંપનીની એન્ટ્રી લેવલ કાર અલ્ટોની કિંમત 2.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે જ્યારે મલ્ટિપર્પઝ વાહન XL6ની કિંમત 11.52 લાખ રૂપિયા છે. નવેમ્બરમાં કંપનીના પેસેન્જર વાહનોનું ઘરેલું વેચાણ 2.4 ટકા ઘટીને 135775 યુનિટ્સ રહ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીએ 139133 યુનિટ વેચ્યા હતા. જોકે નિકાસ સાથે મળીને નવેમ્બરમાં કંપનીનું કુલ વેચાણ પાછલા વર્ષ કરતા 1.7 ટકા વધારે રહ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં 150630 યુનિટની તુલનામાં કંપનીએ નવેમ્બરમાં કુલ 153223 યુનિટ વેચ્યા હતા.