નવી દિલ્હીઃ હાલ સોના-ચાંદીના ભાવમાં નકારાત્મક વલણ છે અને લોકોને ફરી નીચા ભાવે કિંમતી ધાતુ ખરીદવાની તક મળી રહી છે. વૈશ્વિક બજારની નરમાઇને પગલે સ્થાનિક બજારમાં પણ સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવ તૂટ્યા છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે શુક્રવારે સોનાનો ભાવ 400 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ 51,000 રૂપિયા થયો છે. તેવી જ રીતે ચાંદીનો ભાવ પણ આજે 500 રૂપિયા ઘટ્યો અને પ્રતિ એક કિગ્રા દીઠ 63,000 રૂપિયા થઇ ગયો છે. આમ અમદાવાદ ખાતે છેલ્લા બે દિવસમાં સોનો ભાવ 500 રૂપિયા ઘટ્યો છે તેમજ ચાંદી 1000 રૂપિયા સસ્તી થઇ ગઇ છે.
દિલ્હીના ઝવેરી બજારમાં પણ અમદાવાદ જેવી જ સ્થિતિ હતી. દિલ્હીમાં આજે સોનાનો પ્રતિ 10 ગ્રામ દીઠ ભાવ 534 રૂપિયા ઘટીને 48,652 રૂપિયા થયો હતો. તો ચાંદીનો ભાવ આજે 628 રૂપિયા ઘટીને પ્રતિ 1 કિગ્રા દીઠ 62,711 રૂપિયા થયો છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી વૈશ્વિક બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. જેના સીધી અસરે ભારતીય બજારોમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ કોરોનાવાયરસની અસરકારક વેક્સીન ટુંક સમયમાં મળવાની આશાને પગલે વૈશ્વિક શેરબજારોમાં આવેલી તેજી અને અમેરિકામાં નવી ચૂંટાયેલી સરકાર દ્વારા નવું આર્થિક રાહત પેકેજ જાહેર થવાની સંભાવના છે. આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 31 ડોલર ઘટીને 1835 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો વિશ્વ બજારમાં ચાંદીનો ભાવ 24 ડોલરની નીચે જતો રહ્યો હતો અને 23.84 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો.