ભારતીય શેરબજારની નવા સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત ઘણી પ્રોત્સાહક રહી છે અને બેન્ચમાર્ક સેન્સેક્સ-નિફ્ટી ફરી સર્વોચ્ચ શિખરને સ્પર્શ્યા હતા. જેમાં સેન્સેક્સ 154.45 પોઇન્ટના ઉછાળે 46,253.46 અને નિફ્ટી 44.30 પોઇન્ટના સુધારે 13,558.15ના ઉંચા સ્તરે બંધ થયા. અલબત આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 46,373.34 અને નિફ્ટી 13,597.50ના નવા ઓલટાઇમ હાઇ લેવલને સ્પર્શ્યા હતા. આજની શેરબજારની તેજીમાં બેન્કિંગ અને મેટલ શેરોએ આગેવાની લીધી હતી.
મેટલ અને બેન્કિંગ સ્ટોકમાં તેજી
આજે સોમવારે નિફ્ટીનો મેટ ઇન્ડેક્સ 1.39 ટકાની વૃદ્ધી સાથે 3,189 પર બંધ થયો છે. ઇન્ડેક્સમાં હિન્દુસ્તાન કોપરનો શેર 20% ઉછળ્યો હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ પણ 141 પોઇન્ટની તેજી સાથે 30,745.90 પર બંધ થયો. તેમાં ફેડરલ બેન્કનો 3 ટકાની તેજી સાથે ઇન્ડેક્સમાં ટોપ ગેઇનર રહ્યો હતો.
આજની ઐતિહાસિક તેજીમાં BSE ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 183.57 લાખ કરોડ રૂપિયા નોંધાયુ છે. પરંતુ બજારની તેજી દરમિયાન બજારમાં ઓટો સ્ટોકમાં મોટો ઘટાડો આવ્યો છે. નિફ્ટીનો ઓટો ઇન્ડેકસ લગભગ 1% ઘટીને 9,093 પર બંધ થયો છે.
લિસ્ટિંગના દિવસે જ બર્ગરકિંગ 130 ટકાના ઉછાળ્યો
આજે બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડના આઇપીઓએ 130 ટકાનો જંગી ઉછાળો દર્શાવી રોકાણકારોને જંગી કમાણી કરાવી છે. બર્ગર કિંગનો આઇપીઓ આજે બીએસઇ ખાતે 115.35 રૂપિયાના ભાવે ખૂલ્યો હતો અને નીચામાં 108.48 રૂપિયા બોલાયો હતો. જો કે ત્યારબાદ શેરબજારની ઐતિહાસિક તેજીના સહારે બર્ગરકિંગનો શેર 138.40 રૂપિયાની તેની સૌથી ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. આઇપીઓમાં બર્ગર કિંગના શેરની ઓફર પ્રાઇસ ઇક્વિટી શેર દીઠ 60 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આમ ચાલુ વર્ષે લિસ્ટિંગના દિવસે સૌથી વધુ રિટર્ન આપવાના મામલે બર્ગરકિંગનો સ્ટોક કિંગ સાબિત થયો છે. આજે બર્ગરકિંગની માર્કેટકેપ રૂ. 5282.10 કરોડ થઇ છે.