નવી દિલ્હીઃ આજે કેન્દ્ર સરકાર દ્વારા સવારમાં જાહેર કરાયેલા નવેમ્બર મહિનાના જથ્થાબંધ મોંઘવારીમાં વધારો થયો જ્યારે સાંજે જાહેર કરાયેલા રિટેલ ઇન્ફ્લેશનમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યુ છે. એટલે ગ્રાહક ભાવાંકની રીતે મોંઘવારી ઘટી છે. જો કે સરકારી આંકડા કરતા વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. હાલ શાકભાજી-કઠોળ-ખાદ્યતેલોના ભાવમાં આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગની માટે ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ બની ગયુ છે.
આજે સાંજે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) એટલે કે ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવાનો દર નવેમ્બર મહિનામાં ઘટીને 6.93 ટકાના સ્તરે આવી ગયો છે જ્યારે ઓક્ટોબર 2020માં મોંઘવારી દર 7.61 ટકાના સ્તરે હતો જે છેલ્લા અઢી વર્ષનો સૌથી ઉંચો રિટેલ મોંઘવારી દર અને મે 2014 પછીનો સૌથી ઝડપી ભાવવધારાનો દર છે.
ઉલ્લેખનિ છે કે, સરકાર દ્વારા આજે સવારમાં જથ્થાબંધ ભાવાંકની રીતે નવેમ્બર મહિનામાં ફુગાવાનો દર વધીને 1.55 ટકાના સ્તરે પહોંચી ગયો હોવાનું જણાવ્યુ છે, જે છેલ્લા નવ મહિનાનૌ સૌથી ઉંચો મોંઘવારી દર છે. છે
ગ્રાહક ભાવાંકની રીતે નવેમ્બર મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભાવવધારાનો દરઘટીને 9.43 ટકા થયો છે જે ઓક્ટોબરમાં 11 ટકા હતો. કઠોળના ભાવ 17.91 ટકા વધ્યા છે અને શાકભાજી 15.63 ટકા મોંઘા થયા છે. જ્યારે ઓક્ટોબરમાં અનુક્રમે 18.34 ટકા અને 22.5 ટકા ભાવ વધ્યા હતા. ઇંધણ અને વીજ સેગમેન્ટમાં ભાવવધારાનો દર ઓક્ટોબરના 2.28 ટકાથી ઘટીને નવેમ્બરમાં 1.9 ટકા થયો છે.
ઉલ્લેખનિય છે કે, ભલે રિટેલ મોંઘવારી દર ઘટ્યો હોય જો કે રિઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત સીપીઆઇની 4 ટકાની મર્યાદા કરતા ઉંચો છે. આર્થિક નિષ્ણાંતોએ 7.2 ટકાના રિટેલ ફુગાવાની ધારણા વ્યક્ત કરી હતી.