રોકાણકારોને બખ્ખા કરાવનાર બર્ગર કિંગ ઇન્ડિયાનો આઇપીઓ જો તમે ચૂકી ગયા હોવ તો તમને વધુ એક મોકો મળી રહ્યો છે. એટકે કે મંગળવારે મિસેસ બેક્ટર (Mrs Bectors)નો આઇપીઓ ખુલી રહ્યો છે, જે પણ તમને કમાણી કરાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, આજે બર્ગર કિંગ ઇન્ડિયાના આઇપીઓનું સ્ટોક એક્સચેન્જ ખાતે ધમાકેદાર લિસ્ટિંગ થયુ છે અને રોકાણકારોને 131 ટકા જેટલુ બમ્પર રિટર્ન મળ્યુ છે.
મિસેઝ બેક્ટરનો આઇપીઓ મંગળવારે ખુલશે
બર્ગરકિંગને રો-મટિરિયલ સપ્લાય કરનારકંપની મિસેઝ બેકટરનો આઇપીઓ મંગળવાર, 15 ડિસેમ્બરના રોજ ખુલી રહ્યો છે. હાલ બેક્ટરના આઇપીઓમાં 70 ટકાનું પ્રીમિયમ બોલાઇ રહ્યુ છે. એટલે કે આઇપીઓ ખૂલતા પહેલા જ રોકાણકારો તરફથી જબરદસ્ત માંગ છે.
આવી સ્થિતિમાં બર્ગર કિંગની જેમ મિસેઝ બેક્ટરનું પણ લિસ્ટિંગ ધમાકેદાર થવાની આશા છે. મિસેસ બેક્ટર 540 કરોડ રૂપિયા એક્ત્રકરવા માટે મૂડીબજારમાં આવી રહી છે. જેમાં ઘણા શેરધારકો પોતાની હિસ્સેદારી વચેશે. કર્મચારીઓ માટે કંપનીએ 15 રૂપિયાનું ડિસ્કાઉન્ટ રાખ્યુ છે. 50 લાખ શેર તેમની માટે અનામત રાખ્યા છે. રોકાણકારો ઓછામાં ઓછા 50 ઇક્વિટી શેર માટે અરજી કરી શકે છે. કંપનીએ આઇપીઓ ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ 286થી 288 રૂપિયા નક્કી કરી છે.
બર્ગર કિંગના પ્રતાપે મિસેસ બેક્ટરના આવી તેજી
વાત જાણે એમ છે કે, મિસેસ બેક્ટરનો આઇપીઓ ઇશ્યૂની પ્રાઇસ નીચી રહેવાની હતી, આ દરમિયાન જે રીતે બર્ગર કિંગના આઇપીઓને બહોળો રિસ્પોન્સ મળ્યો, તેને જોઇને મિસેસ બેક્ટરના આઇપીઓ ઇશ્યૂની પ્રાઇસ વધારવામાં આવી છે. બર્ગર કિંગનો આઇપીઓ 156 ગણો ભરાયો હતો. એવામાં તેના રો-મટિરિયલસની સપ્લાય કરનાર કંપની બેક્ટરનો પણ આઇપીઓ હિટ થવાની આશા છે.
ઉપરાંત આગામી કેટલાક સમયમાં ઘણા આઇપીઓ ઇશ્યૂ આવી રહ્યા છે, જેમાં કલ્યાણ જ્વેલર્સનો 1750 કરોડ રૂપિયાનો આઇપીઓ આવશે. તે ઉપરાંત રેલટેલનો 700 કરોડ, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્કનો 1000 કરોડ રૂપિયા અને એન્ટોની કંપનીનો 100થી 150 કરોડ રૂપિયાનો આઇપીઓ આવવાની શક્યતા છે.