મુંબઇઃ બોલીવુડ ડ્રગ્સ કેસમાં વધુ એક અભિનેતા પર તવાઇ આવી છે અને હાજર થવા ફરમાન કરાયુ છે. હિરો અર્જૂન રામપાલને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ પૂછપરછની માટે ફરી સમન્સ મોકલ્યુ છે. બોલીવુડમા ડ્રગ્સ કનેક્શન કેસમાં તપાસ કરી રહેલી NCB એ અર્જુન રામપાલને 16 ડિસેમ્બરે પુછપરછ માટે બોલાવ્યો છે. આની પહેલા પણ NCB દ્વારા તેની પુછપરછ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, NCB એ પાછલા મહિને અર્જૂન રામપાલના બાંદ્રા સ્થિત ઘરે રેડ પાડી હતી. આત્મહત્યા કરનાર સુશાંતસિંહ રાજપૂતની મોત બાદ NCB બોલીવુડ ડ્રગ્સ કનેક્શનની ઉંડી તપાસ કરી રહીછે.
અર્જૂન રામપાલની ડ્રગ્સ કનેક્શનના એક કેસમાં NCB એ 13 નવેમ્બરે લગભગ સાત કલાક પૂછપરછ કરી હતી. તો તેની પહેલા NCB એ 9 નવેમ્બરે રામપાલના ઘરે રેડ પાડી હતી અને આ દરમિયાન એક પ્રતિબંધિત દવા મળી આવી હતી. અભિનેતાએ 13 નવેમ્બરે પુછપરછ બાદ પત્રકારોને કહ્યુ હતુ કે, ડ્રગ્સ કેસમાં મારી કોઇ સંડોવણી નથી. મારા ઘરે જે દવાઓ મળી આવી હતી, તેની રશીદ મારી પાસે છે અને રશીદને NCB અધિકારીઓને સોંપવામાં આવી રહી છે. તેણે કહ્યુ હતુ કે, હુ તપાસમાં સાથ-સહકાર આપી રહ્યો છુ અને NCBના અધિકારીઓ સારી કામગીરી કરી રહ્યા છે.
રામપાલના બાંદ્રા સ્થિત ઘરે રેડ પાડ્યા બાદ NCBએ અભિનેતા અને તેની પાર્ટનર ડેમેટ્રિએડ્સને સમન્સ મોકલ્યુ હતુ. એજન્સીએ લેપટોપ, મોબાઇલ ફોન અને ટેબલેટ વગેરે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ટાંચમાં લીધા અને રામપાલના ડ્રાઇવરની પણ પુછપરછ કરી હતી. રામપાલના ઘરે દરોડ પાડ્યા તેના એક દિવસ પહેલા NCBએ બોલીવુડ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાડવાલાની પત્નીની ધરપકડ કરી હતી.